• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં ચુકાદો

સર્વોચ્ચ અદાલતે મંગળવારે એક મહત્ત્વના ચુકાદામાં નીટ યુજી આંદોલનના મામલામાં હજારો વિદ્યાર્થી દેખાવકારોની સામેની પોલીસ ફરિયાદોને રદ જાહેર કરી છે. વીસથી પચીસમી જુલાઈ વચ્ચે રાજધાની દિલ્હીના જંતરમંતર અને દેશના અન્ય ભાગોમાં થયેલાં આંદોલન અને દેખાવોમાં ભાગ લેનારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને અદાલતના આ આદેશથી ભારે રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 તળે મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરી આ એફઆઇઆર રદ કરી છે, તેની સાથોસાથ એવો આદેશ પણ આપ્યો છે કે, હવે પછી આ સમયગાળા દરમિયાન થયેલ દેખાવોના સંદર્ભમાં નવી કોઈ એફઆઇઆર દાખલ કરવી નહીં.  

અદાલતના આ આદેશે બતાવી આપ્યું છે કે, કાયદો પણ માનવી સંવેદના ધરાવે છે. ખાસ તો પેપર લીક થવાની અથવા ગેરરીતિ થવાની આશંકાથી વિદ્યાર્થીઓનો ભરોસો ડગી જતો હોય છે. આવામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફરિયાદ થાય તો તેમનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જવાની શક્યતા સર્જાય છે. અદાલતે જોકે ગુનાહિત ભૂતકાળ ધરાવતા 2873 દેખાવકાર સામે નવેસરથી ફોજદારી ગુનો નોંધવાની અદાલતે છૂટ આપી એવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, આંદોલનની આડમાં કાયદાના દાયરાનું ઉલ્લંઘન કરનારાઓને રક્ષણ આપી શકાય નહીં. લોકતંત્રમાં વિરોધ પ્રદર્શન લોકોનો હક છે, પણ અરાજકતા સર્જનારાઓને ચલાવી લેવાય નહીં એ સર્વોચ્ચ અદાલતે દેખાડી આપ્યું છે.  

અદાલતના ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે, શાંતિપૂર્વકના વિરોધ અને હિંસા કે તોડફોડ વચ્ચે ફરક હોવો જોઈએ. નીટના પેપર લીકને પગલે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતર આપવાના મુદ્દે પણ સરકારે સૂચના આપી સંવેદનશીલતાનો પરચો આપ્યો છે. સરકારે આ મામલે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની સાથે થયેલી સમજૂતીના મુદ્દાના અમલ માટે કમર કસી છે. અદાલત અને સરકારનાં વલણને જોતાં સીજેપીએ આગામી પાંચમી સપ્ટેમ્બરની ઇન્ડિયા ગેટની કૂચ રદ કરી સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.  

હવે આંદોલનનો મામલો થાળે પડી ગયો છે, ત્યારે સરકારે નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની વિશ્વસનીયતા ફરી બહાલ કરવા નક્કર પગલાં લેવા પર ધ્યાન આપવાની ખાસ જરૂરત રહેશે. પરીક્ષા વ્યવસ્થા પારદર્શક અને વ્યવસ્થિત હોય, તો વિદ્યાર્થીઓને ન્યાય માટે આંદોલનનો માર્ગ લેવાની ફરજ પડે નહીં. હાલની તકે તો વિદ્યાર્થીઓને પ્રતીતિ થઈ છે કે તેમની સમસ્યાના ઉકેલ પર હવે ધ્યાન અપાશે. સરકારે હવે એ સમજવાની ખાસ જરૂર છે કે પરીક્ષા આપનારા યુવા વિદ્યાર્થી નહીં, પણ દેશની આવતીકાલ છે. તેમની મહેનત એળે ન જાય અને દેશના વિકાસમાં તેઓ પણ પાયાની ભૂમિકા ભજવી શકે એ સૌનાં હિતમાં છે. સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલો ચુકાદો આમ તો નીટ સંદર્ભના આંદોલનો પૂરતો સીમિત છે, પણ તેમાં જણાવાયેલી બાબતો સરકાર અને આંદોલનકારીઓ માટે ભવિષ્યમાં માર્ગદર્શિકા સાબિત થઈ શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક