• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

શિક્ષણ સાથે તાલીમ જરૂરી

દેશમાં સરકારી નોકરીઓ મેળવવી એ એક મુશ્કેલ કામ હોવાની સર્વાત્રિક છાપ છે, પણ સંખ્યાબંધ બાબતોમાં આવા મુશ્કેલ કામો પાર પાડતી કેન્દ્ર સરકારે 2023ના અંત સુધીમાં 10 લાખ સરકારી નોકરીઓ આપવાના વચનની સામે અત્યાર સુધી 12.7પ લાખ યુવાનને નોકરીના નિયુક્તિપત્રો આપી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 20મા રોજગાર મેળા દરમિયાન દેશભરમાં વર્ચ્યુઅલ રીતે પ1 હજાર યુવાનને સરકારી અને સરકાર સંબંધિત નિગમોમાં નોકરીના નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા.  

દેશની મસમોટી વસ્તીને જોતાં 12.7પ લાખ સરકારી નોકરી અપાયાનું પગલું ભારે નજીવું જણાય છે, પણ આજના સમયમાં નોકરીઓ અને તેમાં પણ સરકારી નોકરીઓ મળવી મુશ્કેલ છે તેવા સમયે આ એક નાની શરૂઆત આશા જગાવી જાય છે.  સ્વાભાવિક રીતે આ ક્રમ હવે અટકવો જોઈએ નહીં, પણ સૌ કોઈ સમજે છે કે દેશના તમામ યુવાનોને સરકારી નોકરી મળવી શક્ય નથી. સરકાર ઈચ્છે તો પણ આ કામ થઈ શકે તેમ નથી. આવી સ્થિતિમાં અનિવાર્ય છે કે, ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વધુ ને વધુ તકો ઊભી થઈ શકે તે માટેની પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ.  

છેલ્લા લાંબા સમયથી અનુભવાતું રહ્યંy છે કે, દેશનાં શિક્ષણ માળખાંને રોજગારલક્ષી ઓપ આપવાની જરૂરત છે. હાલે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ એવી ડિગ્રીઓ લઈને બહાર આવે છે, જેની ઉપયોગિતા ઓછી થઈ છે કે તે અપ્રસ્તુત થઈ ગઈ છે. આવનારા સમયમાં પરંપરાગત શિક્ષણ પ્રવાહોની ડિગ્રી ધરાવનારાઓને રોજગારની તકો ઓછી મળી શકે તેમ છે. આ સંદર્ભમાં નીતિ પંચનો અહેવાલ ઉલ્લેખનીય છે કે, દેશમાં આઠ કરોડથી વધુ યુવાન એવા છે, જે શિક્ષણ નથી લેતા અથવા કોઈ કામ માટેની તાલીમ લઈ રહ્યા નથી. એક તરફ આધુનિક ટેક્નૉલૉજીનો વ્યાપ વધી રહ્યો છે.  તેમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ સતત વધી રહ્યો છે, ત્યારે રોજગારીની તકો ઘટે એવી ભીતિ સર્જાઈ રહી છે. સાથોસાથ સમયની સાથે તાલ મિલાવવા નવી ટેક્નૉલૉજીને અનુરૂપ શિક્ષણ અને તાલીમ વ્યવસ્થા ઊભી કરવાની પણ ખાસ જરૂરત છે. વડા પ્રધાને સ્ટાર્ટઅપ અને કૌશલ વિકાસની અનિવાર્યતા પર ભાર મૂક્યો છે.