જંતર-મંતર પર જમાવડો અને ચૂંટણી કમિશનરના રાજીનામાની બુલંદ અવાજે થઈ રહેલી માગની વચ્ચે સર્વોચ્ચ અદાલતે મહિલા સુરક્ષાના સંવેદનશીલ મુદ્દે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા એવા હોવા જોઈએ કે અપરાધી તત્ત્વોનાં મનમાં એવો ડર રહે કે આપણે કંઈક અડપલું પણ કરશું તો પકડાઈ જઈશું અને સજા થશે. દિલ્હી-એનસીઆરમાં મહિલાઓ સાથે થયેલી દુષ્કર્મની ઘટનાના સંદર્ભમાં કોર્ટે આ વલણ અપનાવ્યું છે, પરંતુ આખા દેશમાં આવું વાતાવરણ હોવું જોઈએ. કોર્ટે કહ્યું કે, રાત્રે મહિલા એકલી ચાલીને જતી હોય કે બસ, મેટ્રોમાં મુસાફરી કરી રહી હોય તેણે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરવી જ જોઈએ. આ કાયદાકીય ઉપરાંત સામાજિક મુદ્દો પણ છે જ.
સર્વોચ્ચ અદાલતે કહ્યું
કે, મહિલા સુરક્ષા સંદર્ભે બેદરકારી ચાલે નહીં. પોલીસે સાર્વજનિક સ્થળો ઉપર ચાંપતી
નજર રાખવી જોઈએ. મહિલા અને અન્ય સામાન્ય નાગરિકોનો વિશ્વાસ પોલીસ ઉપર વધારે બેસે તે
પણ જરૂરી છે. લોકો પોતાની સુરક્ષા સંબંધિત ચિંતાઓ અંગે કોઈ ખચકાટ વગર તેમની સાથે વાત
કરી શકે તેવું વલણ પોલીસે રાખવું જરૂરી છે. પોલીસે સામાન્ય જનતા સાથે સંવેદનશીલ બનવું
પડશે અને અને અપરાધીઓ પ્રત્યે અત્યંત સખત વલણ અપનાવવું પડશે. સ્ત્રીઓ વિરોધી ગુના ઓછા
થાય અને જે થાય છે તેમાં પીડિતને ઝડપી ન્યાય મળે તે રીતે પોલીસે વર્તવું પડશે, માત્ર
પોલીસ જ ઝડપથી કામ કરે તેનાથી સમસ્યા ઉકેલાશે નહીં. ન્યાયપાલિકાએ પણ ચુકાદો આપવામાં
ત્વરા બતાવવી પડશે.
રાષ્ટ્રીય સ્તરે ગાજેલા
બળાત્કારના દિલ્હી (2012) કે કોલકાતા (2024) જેવા કિસ્સામાં ન્યાયપાલિકાની ભૂમિકા અત્યંત
મહત્ત્વની રહી હતી, પરંતુ દેશમાં આખા વર્ષમાં બળાત્કારના 32,000 જેટલા કેસ નોંધાય છે.
તે બધાની ન્યાય પ્રક્રિયા ઝડપી હોય તેવું બનતું નથી. જિલ્લા-સેશન્સ કોર્ટમાં કેસ લાંબો
ચાલે છે. તે પછી ઉચ્ચ ન્યાયાલયમાં તેને આરોપી પડકારે તો વળી વર્ષો નીકળે. આટલા સમયમાં
આરોપીને રાહત મળી જાય છે. હા, હવે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા છે તેથી આ સ્થિતિમાં
ફેર પડયો છે. ગૃહપ્રધાન અમિત શાહે થોડા સમય પૂર્વે જ કહ્યું કે, નવી ન્યાય સંહિતાના
અમલ બાદ હવે નીચલી કોર્ટથી શરૂ કરીને છેક સર્વોચ્ચ અદાલત સુધી એવી સ્થિતિ થશે કે કોઈપણ
કેસનો ચુકાદો ત્રણ વર્ષની મર્યાદામાં આપી દેવાનો રહેશે.
મહિલા વિરોધી અપરાધો
અંગે અત્યંત આકરા કાયદા હોવા છતાં બનાવ બનતા રહે છે. પોલીસ અને ન્યાયતંત્ર બન્નેની
ભૂમિકા અગત્યની છે. સમાજની જાગૃતિ પણ અહીં એટલી જ મહત્ત્વની છે. દીકરીઓ માટેનું વલણ,
તેમનું શિક્ષણ સહિતના મુદ્દે દૃષ્ટિકોણ બદલવો પડશે.