• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

આ સુપ્રીમ કોર્ટ છે, સંસદ ભવન નહીં

કોક્રોચ પાર્ટીના સ્થાપક નેતા અભિજિત દીપકે અને એમના સાથીદારો કહે છે કે હવે સમગ્ર દેશમાં ઠેર ઠેર જંતરમંતર ભજવાશે અને જ્ઞાનેશકુમારનું રાજીનામું આવે નહીં ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. બીજી બાજુ રાહુલ ગાંધી પણ કહે છે કે એમની લડાઈ ચાલુ રહેશે. આમ છતાં આ બંને `સેનાપતિઓ' વચ્ચે કોઈ સમજૂતીની જાહેરાત નથી. હકીકતમાં એક લક્ષ્ય માટે બે પ્રતિસ્પર્ધીઓ - હરીફ હોય એવી છાપ પડે છે. અલબત્ત, રાહુલ ગાંધી સ્પર્ધામાં આગળ છે કારણ કે એમની નાટકીય પદ્ધતિ મનોરંજન પણ પૂરું પાડે છે?

રાહુલ ગાંધી તથા ઇન્ડિ મોરચાના દસ નેતાઓની એસઆઇઆરને પડકારતી અરજીમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ દસ્તાવેજો ન હોવા, વકાલતનામાનો અભાવ તથા અયોગ્ય ઓળખપત્રો જેવી 14 ક્ષતિઓ તરફ ધ્યાન ખેંચ્યું છે. નવેસરથી અરજી કરવાની રહેશે.

રાહુલ ગાંધીએ બે મહત્ત્વની વાત કરી છે. એમના કાર્યક્રમ - યુદ્ધની વ્યૂહ, રણનીતિનું કોઈ આયોજન હોતું નથી. `આશ્ચર્ય' એમનું શસ્ર છે. વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર રસ્તા ઉપર સૂઈ ગયા હતા અને આકાશવાણી ભવનની દીવાલ - પાળી ઉપર ચડી બેઠા હોય - અન્ય નેતાઓ અને કાર્યકરોને પણ ખબર - અંદાજ હોતો નથી! રાહુલ ગાંધી આ વ્યૂહને પોતાની સફળતા કહે છે! અને પોતાને શિવજી સાથે સરખાવે છે કહે છે આંદોલન નહીં, આ તો શિવનું તાંડવ નૃત્ય છે! કોઈપણ રાજકીય પક્ષ - ભાજપ સહિતના સભ્યો શિવજીની બારાતમાં જોડાઈ શકે છે!

હવે શિવ-તાંડવમાં જાનૈયા જોડાયા હતા કે નહીં તેનું જ્ઞાન તો રાહુલને નથી. પણ તાંડવનો ઉલ્લેખ કરે છે ત્યારે ભસ્માસુરની વાત પણ જાણતા જ હશે. શિવજીએ રાહુલજીને `ભસ્માસુર' જેવું વરદાન આપ્યું હશે - જ્યાં `હાથ' બતાવે ત્યાં બધું ભસ્મીભૂત થઈ જાય?

રાહુલ ગાંધી એમ પણ કહે છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને રાત્રે ઊંઘ પણ આવતી નથી - પણ ડોન્ટ વરી જ્ઞાનેશકુમાર અમારી પાસે આવી જાય - તાજના સાક્ષી બને તો એમને કોઈ સજા નહીં થાય! કારણ કે અમારા નિશાન ઉપર તો એમની પાછળ બેઠેલા મોટાં માથાં છે!

બે દિવસ અગાઉ રાહુલે એવો દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિએ અમારી ફરિયાદ સ્વીકારી છે કે વોટ ચોરી થાય છે? અને હજુ રાષ્ટ્રપતિ ભવન તરફથી કોઈ ખુલાસો રદિયો આવ્યો નથી એટલે રાહુલ ગાંધી કહે છે : રાષ્ટ્રપતિજી પણ માને છે કે વોટ ચોરી થઈ છે!

રાહુલ ગાંધી એટલું પણ જાણતા નથી કે રાષ્ટ્રપતિ મર્યાદા જાળવે છે અને નીચી કક્ષાએ ઉતરતા નથી. વાહિયાત દલીલ આગળ ધરીને કોઈ કહે કે આક્ષેપો સાચા ઠર્યા - તો કોઈ માને ખરું?

રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના ઉંબરે ઊભા રહીને વોટ ચોરીની ફરિયાદ તો કરી પણ ચીફ જસ્ટિસને મળી શક્યા નહીં. કારણ કે ફરિયાદ કરવી હોય તો અદાલત સમક્ષ ઊભા રહેવું જોઈએ. રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવન વચ્ચે ફરક છે. દરવાજે ઊભા રહીને દેકારા - પડકારા કરવાથી અને સંખ્યાબળ બતાવી શક્તિ પ્રદર્શન કરવાનો અર્થ નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને આ રીતે પ્રભાવિત કરવા - કરાવવાના પ્રયાસની અવળી - ઊંધી અસર પડે.

સર્વોચ્ચ અદાલતના દરવાજે રાહુલ ગાંધી સેના ઊભી હતી ત્યારે કેરળ કૉંગ્રેસે ચીફ જસ્ટિસને `ધમકી' આપી કે કાયદા - વ્યવસ્થા જાળવવાનું કામ તમારું ન હોય તો રાજીનામું આપીને ચાલતા થાવ. અમે બીજાને બેસાડીશું. કેરળ કૉંગ્રેસના નેતાઓ જાણતા નથી કે સંવિધાનમાં કામ - જવાબદારીની સ્પષ્ટ વહેંચણી છે! પણ ન્યાયમૂર્તિનું અપમાન અવમૂલ્યન થાય તેની નવાઈ નથી. ઇન્દિરા ગાંધીને ઈમર્જન્સીમાં સુપ્રીમ કોર્ટના સિનિયર ન્યાયમૂર્તિઓને બાજુએ રાખીને `વફાદાર' ગણાતા જસ્ટિસ રાયને `ચીફ' બનાવ્યા હતા. હવે કેરળ વિધાનસભામાં કૉંગ્રેસે ઠરાવ પસાર કરીને મુખ્ય ચૂંટણી કમિશનરને બરતરફ કરવાની માગણી કરી છે! પણ કૉંગ્રેસી મુખ્ય પ્રધાનને એટલી પણ ખબર નથી કે સંવિધાનમાં ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જેટલી સત્તા આપવામાં આવી છે. સંસદમાં મહાભિયોગનો ઠરાવ પસાર કરવો પડે, જે શક્ય નથી એટલે શેરીઓમાં શક્તિ પ્રદર્શન થાય છે! 

ઇ-પેપરના નવા શુલ્ક