• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

ડેટા લીક માટે જવાબદાર કોણ?

ડિજિટલ યુગમાં ડેટાનું ગળતર કોઈપણ કંપની કે સંસ્થા માટે સૌથી મોટું દુ:સ્વપ્ન હોઈ શકે છે અને આવું દેશની સૌથી મોટી સરકારી સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઇ)ના ગ્રાહકોની માહિતી તથા ટોચની ખાનગી બૅન્કમાંની એક એચડીએફસીના મહત્ત્વના ડેટા ચોરાયા છે. એસબીઆઇના કેસમાં તો  બહારના હેકરોએ હાથફેરો કર્યો છે અને ગ્રાહકો વિશેની મહત્ત્વની તથા સંવેદનશીલ માહિતી ઇન્ટરનેટના અંડરવર્લ્ડ સમા ડાર્ક વેબ પર વેચાણાર્થે મૂકી છે. જ્યારે એચડીએફસીના મામલામાં ઘરના જ ભેદીઓએ (વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ) મહત્ત્વની યોજનાઓ તથા બજારથી સંલગ્ન માહિતી બહારના લોકો સાથે વહેંચી હોવાનું સામે આવ્યું છે. સિરિયુસિમ નામના એક થ્રૅટ ગ્રુપે આશરે પોણા ચાર લાખ વિગતો તથા 2722 પીડીએફ ફાઈલ્સ ડાર્ક વેબ પર પોસ્ટ કર્યાનો દાવો કર્યો છે. એસબીઆઇએ પ્રાથમિક વિશ્લેષણ બાદ સ્પષ્ટ કર્યું છે કે, 3897 ચોક્કસ ગ્રાહકોની વિગતો લીક થઈ છે. આ વિગતોમાં નામ, મોબાઈલ નંબર, જન્મતારીખ, જાતિ, ઈ-મેઈલ એડ્રેસ, ઘરનું સરનામું તથા બ્રાન્ચનું નામ તથા તેમની લોનની માહિતી તથા આર્થિક આવક-ખર્ચના આંકડાનો સમાવેશ થાય છે. આ માહિતીના ગળતરને કારણે સંબંધિત ગ્રાહકોનાં ખાતાં પર કે બૅન્કના કામકાજ પર કોઈ અસર થઈ નથી અને અમે આ ઘટનાની તપાસ હાથ ધરી છે, એવો સરકારી જવાબ એસબીઆઇએ આપ્યો છે. જોકે, ઇન્ડિયન કૉમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પૉન્સ ટીમે (સર્ટ-ઈન) હજી પાંચ જ દિવસ પહેલાં જ આ પ્રકારના સાયબર હુમલાની ચેતવણી આપી હતી. રિઝર્વ બૅન્ક પણ વારંવાર આ બાબતે જાગૃત રહેવાની સલાહ બૅન્કોને આપતી હોય છે, છતાં આ પ્રકારની ઘટનાઓ છાશવારે બનતી હોવાનું જોવા મળે છે. આ ક્ષેત્રે જોખમ માત્ર હૅકર્સથી નથી એઆઇ પણ નવું ભયસ્થાન છે. એઆઇ કંપનીઓનો આશય ડેટા ચોરીનો ભલે ન હોય પણ નવી એઆઇ સિસ્ટમ બનાવવા માટે ડેવલપર્સ ઘણીવાર એવા અૉટમેટેડ એજન્ટ્સ તૈયાર કરે છે, જે ક્યાંથી, કેવી રીતે અને કેવા પ્રકારના ડેટા મેળવે છે, એના પર કોઈનું નિયંત્રણ હોતું નથી. સાયબર સુરક્ષાની દૃષ્ટિને વ્યાપક કરવાનો સમય આવી ગયો છે, એ જ આ હુમલાઓનો બોધ છે. 

ભારત સરકારે ડેટા સલામતી માટે કડક કાયદો ઘડયો છે તથા સર્ટ-ઈન જેવી સંસ્થાઓ પણ સક્રિય છે તથા વ્યક્તિગત ડેટા સુરક્ષા માટે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ નામનો કાયદો પણ છે. જોકે, અંદરના લોકો જ ફૂટી જાય તો બહારની સંરક્ષક દીવાલ કેટલી ઝીંક ઝીલી શકે? વળી, નિદોર્ષ જણાતો ડેટા લીક કેવી અફરાતફરી સર્જી શકે છે, એ તો છેલ્લા થોડા સમયમાં સામે આવતા ડિજિટલ એરેસ્ટ તથા રોજ-રોજ નવી રીતરસમો દ્વારા લોકોનાં બૅન્ક ખાતાંમાંની રકમ સાફ કરી નાખતા ગઠિયાઓનું નેટવર્ક તકની રાહમાં હોય છે. આવામાં, ગંભીર લીક પછી પણ બૅન્કો સબ સલામતનો પોકાર કરતી હોય તો લીક માટે જવાબદાર કોણ?  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ