• મંગળવાર, 06 જૂન, 2023

ફાઇનલ પૂર્વે ચેન્નઇની ચિંતા વધી : ખિતાબી મુકાબલામાં દીપક ચહરનું રમવું શંકાસ્પદ  

સ્નાયુ ખેંચાઈ જવાની ઇજાના દર્દથી પીડાઈ રહ્યો છે

ચેન્નાઇ, તા.24: આઇપીએલ-2023ના પ્રથમ કવોલીફાયર મેચમાં વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ 15 રનની સંગીન જીત સાથે 10મી વખત ફાઇનલમાં પહોંચનાર ચેન્નાઇ સુપર કિંગ્સની ચિંતા વધી છે. તેનું કારણ ટીમના મુખ્ય ઝડપી બોલર દીપક ચહરની ફિટનેસ છે. હેમસ્ટ્રિંગ ઇજાને લીધે તેનું ફાઇનલમાં રમવું શંકાસ્પદ છે. આ વાત ખુદ દીપક ચહરે કહી છે. ગુજરાત સામેના મેચમાં આખરી દડે કેચ લીધા બાદ દીપક ચહર સતત લંગડાતો જોવા મળ્યો હતો. મેચ બાદ તેણે કહ્યંy કે હેમસ્ટ્રિંગ (પગના સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા)નું દર્દ મને વારંવાર સતાવી રહ્યં છે. જો કે અત્યારે રાહત મહેસૂસ કરી રહ્યો છું. ફાઈનલમાં રમવા વિશેના સવાલ પર દીપક ચહરે જણાવ્યું કે હજુ પાંચ દિવસનો સમય છે. મારી પાસે ઠીક થવાનો પૂરો સમય છે. જો કે અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે.

દીપક ચહરે આ ઇજાને લીધે આઇપીએલની ગયા વર્ષની પૂરી સિઝન ગુમાવી હતી. આ વખતે પણ તેની આ ઇજા સતત અડચણ બની રહી છે. લીગના 17મા મેચમાં તે ફરી ઈજાનો ભોગ બન્યો હતો. વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ સામે તે પહેલી ઓવરમાં જ સ્નાયુ ખેંચાઈ જવાને લીધે બહાર થયો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સે 2022ના ઓકશનમાં દીપક ચહરને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પગના સ્નાયુ ખેંચાઈ જવાની ઇજાને લીધે તે પાછલા એક વર્ષથી ટીમ ઇન્ડિયાની પણ બહાર ચાલી રહ્યો છે.