• રવિવાર, 28 એપ્રિલ, 2024

મુંબઈ યુનિવર્સિટી માટે રૂા. 857 કરોડના બજેટની જાહેરાત  

મુંબઈ, તા. 25 : સ્નાતકોના મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સભ્યોની ગેરહાજરીમાં મુંબઈ યુનિવર્સિટીની સેનેટ દ્વારા શનિવારે રૂપિયા 857 કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. રૂપિયા 121 કરોડની વાર્ષિક ખાધનો અંદાજ ધરાવતું બજેટ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020 સાથે સુસંગત હોય એવી પહેલ પર ભાર મૂકે છે.

યુનિવર્સિટીએ સંશોધન અને નવીનતા, ગુણવત્તાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલ માટે રૂપિયા 65 કરોડની ફાળવણી કરી છે. જેમાં ઉન્નતીકરણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જોડાણ, સમાવેશ અને યુનિવર્સિટી ઉદ્યોગ-જોડાણો જેવી પહેલનો સમાવેશ થાય છે.

વિશ્વ કક્ષાની યુનિવર્સિટી બનવા માટે યુનિવર્સિટીના માસ્ટર પ્લાન માટે આશરે રૂપિયા 30 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમાં કાર્બન-ન્યુટ્રલ ગ્રીન કૅમ્પસ પહેલ, ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન, શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ તમામ કેમ્પસને વિકલાંગોને અનુકૂળ બનાવવા અને તેને ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ બનાવવા માટે રમતગમતની સુવિધાઓને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે.

અન્ય રૂપિયા 15 કરોડ શિક્ષણશાત્રની ગુણવત્તા સુધારવા માટે ફાળવવામાં આવ્યા છે જેમ કે વિવિધ કેટેગરીઝ હેઠળ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારો શરૂ કરવા, શૈક્ષણિક ઓડિટ પોર્ટલ, પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યોને આકર્ષવા માટે કોર્પસ, ફેકલ્ટી લિંકેજ પ્રોગ્રામ્સ વગેરે. વિદ્યાર્થિનીઓ માટે કન્યા છાત્રાલય તેમ આંતરરાષ્ટ્રીય હોસ્ટેલ વ્યવસ્થા તેમ શિષ્યવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.