• રવિવાર, 28 એપ્રિલ, 2024

ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઈટને સત્તાવાર મળ્યું `શિવશક્તિ' નામ  

ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને આપી મંજૂરી

નવી દિલ્હી, તા. 25 : ગયા વર્ષે ઈસરોએ 32 ઓગષ્ટને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ચંદ્રયાન-3નું સફળ  લેન્ડીંગ કરાવ્યું હતું અને ઈતિહાસ રચી દીધો હતો. સાથે દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનારો ભારત પહેલો દેશ બની ગયો હતો. ત્યારબાદ પુરી દુનિયામાંથી ઈસરોને અભિનંદનના સંદેશ મળ્યા હતા. વડા પ્રધાન મોદીએ ઈસરો સેન્ટર જઈને ચંદ્રયાન-3 પ્રોજેક્ટમાં સામેલ વૈજ્ઞાનિકોની મુલાકાત કરી હતી. જ્યારે જે સ્થળે લેન્ડીંગ થયું તેને શિવશિક્ત પોઈન્ટ નામ આપવામાં આવ્યું હતું. હવે તેને લઈને ખુશખબરી સામે આવી છે. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને 19મી માર્ચે શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. 

મંજૂરી મળતા સત્તાવાર રીતે જે જગ્યાએ ચંદ્રયાન-3 ઉતર્યું તેને શિવ શક્તિ પોઈન્ટ તરીકે દુનિયાભરમાં ઓળખવામાં આવશે. ગ્રહોનું નામકરણ કરતા ગેઝેટિયર મુજબ ગ્રહીય સિસ્ટમના નામકરણ માટે આઈએયુ વર્કિંગ ગ્રુપે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની લેન્ડીંગ સાઈટ માટે શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. કોઈપણ ખાસ જગ્યાના નામકરણની જેમ ગ્રહોની કોઈપણ જગ્યાને વિશેષ રીતે ઓળખવા માટે તેનું નામકરણ કરવામાં આવે છે. જેનાથી ભવિષ્યમાં જગ્યાની આસાનીથી શોધ થઈ શકે છે અને લોકો તેના ઉપર ચર્ચા પણ કરી શકે છે. 23 ઓગષ્ટ 2023ના ચંદ્ર ઉપર સફળ લેન્ડીંગના ત્રણ દિવસ બાદ બેંગલોરમાં મોદીએ ઈસરો સેન્ટરથી શિવશક્તિ પોઈન્ટ નામની ઘોષણા કરી હતી. 

મોદીએ કહ્યું હતું કે, ચંદ્રયાન-3 લેન્ડીંગની જગ્યાનું નામ શિવ શક્તિ રહેશે. જ્યારે 2019મા ચંદ્રયાન-2 જ્યાં ક્રેશ થઈને લેન્ડ થયું હતું તેને ત્રિરંગા નામ આપવામાં આવ્યું હતું. ઉપરાંત 23 ઓગષ્ટના દર વર્ષે નેશનલ સ્પેસ ડે ઉજવવાનું પણ એલાન કરવામાં આવ્યું હતું. મોદી વૈજ્ઞાનિકોને સંબોધન કરતા ભાવુક થયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ બને તેટલી જલ્દી વૈજ્ઞાનિકોને મળવા માગતા હતા.