• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભાજપના 111 ઉમેદવારોમાં અરુણ ગોવિલ, કંગના રાણાવત  

કૉંગ્રેસે રાજસ્થાનની ચાર અને તામિલનાડુની એક બેઠક માટે નામ આપ્યાં

નવી દિલ્હી, તા. 25 : સતત બે દિવસના મંથન બાદ ભાજપે રવિવારે હોળીના દિવસે લોકસભાની 111 બેઠક પરના ઉમેદવારોની અને કુલ પાંચમી યાદી જાહેરાત કરી હતી. આજે ધૂળેટીના કૉંગ્રેસે પાંચ બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જે કૉંગ્રેસની છઠ્ઠી યાદી છે. ભાજપે રવિવારે જાહેર કરેલા ઉમેદવારોમાં રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલ અને અભિનેત્રી કંગના રાણાવતનું નામ છે. જ્યારે યુપીમાં જનરલ વી. કે. સિંહ અને વરુણ ગાંધીને વખતે ઉમેદવારીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. યાદી સાથે ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ખાસ તો જૂનાગઢ અને અમરેલીની બેઠકો માટે ચર્ચા હતી, ઉપરાંત વડોદરા અને સાબરકાંઠાની બેઠકો પર અગાઉ જાહેર કરેલા ઉમેદવારો સામે અસંતોષ હતો તેથી બેઠકો પરના ઉમેદવારો પણ બદલી નાખ્યા છે. આજે કૉંગ્રેસે જે પાંચ ઉમેદવારો જાહેર કર્યા છે, એમાં ચાર રાજસ્થાન અને એક તામિલનાડુની બેઠકના ઉમેદવાર છે. યાદી પ્રમાણે અજમેરથી રામચંદ્ર ચૌધરી, રાજસમંદથી સુદર્શન રાવત, ભીલવાડાથી ડૉ. દામોદર ગુર્જર અને કોટા બેઠકથી પ્રહલાદ ગુંજલને કૉંગ્રેસે ઉમેદવારી આપી છે. તામિલનાડુની તિરૂનેલવેલી બેઠક પરથી ઍડવોકેટ સી. રોબર્ટ બ્રુસને મેદાનમાં ઉતારાયા છે.