• રવિવાર, 28 એપ્રિલ, 2024

મહાકાલના ગર્ભગૃહમાં ભસ્મ આરતી વખતે આગ ભભૂકી   

સળગતા કપૂરમાં કેમિકલ યુક્ત ગુલાલ પડતાં જ્વાળાઓ ભડકી

પાંચ પૂજારી સહિત 14 દાઝ્યા, ગંભીર 

ઉજ્જૈન, તા. 25 : મધ્ય પ્રદેશના ઉજ્જૈનના વિશ્વવિખ્યાત મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ધુળેટીના પરોઢે ભસ્મ આરતી સમયે લાગેલી આગમાં પાંચ પૂજારીઓ સહિત 14થી વધુ લોકો દાઝી ગયા હતા જેમાંથી છની હાલત ગંભીર છે. મળતી જાણકારી પ્રમાણે આરતીમાં કપૂરનો ઉપયોગ થાય છે. તેમાં ગર્ભગૃહમાં ધુળેટીના કારણે ગુલાલ ઉડાડવામાં આવતા આગ ભભૂકી હતી અને મંદિરમાં ચીસાચીસ અને ભાગદોડ મચી હતી. ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમારે જણાવ્યું હતું કે તત્કાળ પ્રશાસને આગ પર કાબૂ મેળવી લીધો હતો અને મંદિર પરિસરમાં પણ ભક્તોની ભીડ પર નિયંત્રણ મેળવી લેવાયું હતું. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઘટના સમયે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવના પુત્ર વૈભવ અને પુત્રી ડૉ. આકાંક્ષા નંદી મંદિરના હૉલમાં બેસીને બાબા મહાકાલની આરાધના કરી રહ્યાં હતાં.

મહાકાલ મંદિરના ગર્ભગૃહની દીવાલ અને છત ચાંદીથી મઢેલી છે. દર વર્ષે હોળી-ધુળેટીના અવસરે બાબા મહાકાલને ભસ્મ આરતીના સમયે ગુલાલ પણ ચડાવવામાં આવે છે અને પૂજારી તેમ ગર્ભગૃહમાં હાજર ભક્તો એકબીજા સાથે રંગે રમે છે. વર્ષે મંદિરના સત્તાવાળાઓએ રંગે રમતી વખતે દીવાલો ખરાબ થાય એટલે જ્યોતિર્લિંગ-શિવલિંગ (પિંડી)ના ઉપરના ભાગે પ્લાસ્ટિકનું ફ્લેક્સ પણ લગાવ્યું હતું. મળતી જાણકારી પ્રમાણે આરતી સંપન્ન થયા બાદ રંગે રમતા કેમિકલ યુક્ત ગુલાલ આરતીની થાળીમાં સળગી રહેલા કપૂર પર પડયો અને  કપૂરની આગ ભડકી જ્વાળાએ ફ્લેક્સને સપાટામાં લીધું હતું.