• રવિવાર, 28 એપ્રિલ, 2024

મહાવિકાસ આઘાડીમાં ભંગાણના ભણકારા  

ઉદ્ધવે ઉમેદવાર જાહેર કર્યાની જાણ મોવડીઓને કરાશે : કૉંગ્રેસ

ઠાકરે જૂથ દ્વારા `ખીચડી ચોર'ને ઉમેદવારી આપવા સામે સંજય નિરૂપમનો વિરોધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : શિવસેના (ઠાકરે) દ્વારા સાંગલી અને વાયવ્ય મુંબઈ સહિત 17 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેરાત કરાતા કૉંગ્રેસએ નારાજગી વ્યક્ત કરી છે. રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારે પણ અંગે નાપસંદગી વ્યક્ત કરીને ઉદ્ધવ ઠાકરેને `ગઠબંધન ધર્મ' પાળવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક માસથી `મહાવિકાસ આઘાડી' સાથે સમજૂતી કરવાની વેતરણ કરી રહેલા પ્રકાશ આંબેડકરે પણ વંચિત બહુજન આઘાડીના નવ ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ `મહાવિકાસ આઘાડી'માં `િબગાડી' થઈ છે. તેમાંથી એક પછી એક નેતા અને પક્ષો 

અલગ થતાં `મહાવિકાસ આઘાડી'માં ભંગાણના ભણકારા વાગી રહ્યા છે.

શિવસેના (ઠાકરે) દ્વારા આજે દક્ષિણ મધ્ય મુંબઈ, સાંગલી અને ભિવંડીની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવા સામે વાંધો ઉઠાવીને કૉંગ્રેસે જણાવ્યું છે કે મહાવિકાસ આઘાડીના બધા ઘટક પક્ષોએ `ગઠબંધનના ધર્મ'નું પાલન કરવું જોઈએ.

કૉંગ્રેસની વિધાનગૃહોની પાંખના નેતા બાળાસાહેબ થોરાતે શિવસેના (ઠાકરે)ને ઉમેદવારોની યાદી બહાર પાડવાના નિર્ણયની ફેરવિચારણા કરવાનો અનુરોધ ર્ક્યો છે. કૉંગ્રેસ વતીથી વાયવ્ય મુંબઈની બેઠક માટેના દાવેદાર અને ભૂતપૂર્વ સાંસદ સંજય નિરૂપમે ઠાકરે જૂથની આકરી ટીકા કરતાં જણાવ્યું છે કે પક્ષની નેતાગીરીએ મુંબઈની મોટા ભાગની એટલે કે ચાર બેઠકો ઉપર કબજો જમાવી દીધો છે. શિવસેના (ઠાકરે) દ્વારા વાયવ્ય મુંબઈની બેઠક ઉપર હેતુપૂર્વક `ખીચડી ચોર' નેતાને ટિકિટ આપવામાં આવી છે. બેઠક માટે હું સક્ષમ દાવેદાર છું. શિવસેના (ઠાકરે)ના ઉમેદવારે કોરોનાકાળમાં ખીચડીનો પુરવઠો કરનારા કૉન્ટ્રાક્ટર પાસેથી લાંચ લીધી હતી. તેમની ઈડી દ્વારા તપાસ ચાલુ છે. બાબત કૉંગ્રેસના કાર્યકરોને નારાજ કરે એવી છે. 

નિર્ણયથી હું બેચેન થયો છું. બેઠકોની વહેંચણી માટેની વાટાઘાટોમાં કૉંગ્રેસ પક્ષના વલણને સુદઢ રીતે રજૂ કરવામાં આવ્યું નથી. શિવસેના (ઠાકરે) મુંબઈમાંથી કૉંગ્રેસનો એકડો કાઢી નાખવા માગે છે, તેથી અમારા પક્ષની નેતાગીરીએ `મહાવિકાસ આઘાડી'માંથી બહાર નીકળી જવાનો વિકલ્પ વિચારવો જોઈએ. ઠાકરે જૂથ આવતી કાલે મુંબઈની પાંચમી બેઠક માટે પણ ઉમેદવાર જાહેર કરી શકે છે. મારી સમક્ષ બધા વિકલ્પો ખુલ્લા છે. એક સપ્તાહ રાહ જોઈશ પછી નિર્ણય લઈશ. હું અમોલ કીર્તિકર માટે પ્રચાર નહીં કરું એમ નિરૂપમે ઉમેર્યું હતું.

બાળાસાહેબ થોરાતે જણાવ્યું છે કે અમારો પક્ષ સાંગલી, ભિવંડી અને દક્ષિણ મધ્ય મુંબઈની બેઠક ઉપર ઉમેદવાર ઊભો રાખવા આગ્રહી છે. તેથી શિવસેના (ઠાકરે) બેઠકના ઉમેદવારો વિશે ફેરવિચારણા કરવી જોઈએ. શિવસેના ઉદ્ધવ ઠાકરે દ્વારા એકપક્ષી રીતે ઉમેદવારોની યાદી બહાર પડાઈ બાબત વિશે અમે મોવડીમંડળને જાણકારી આપીશું.

પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન આઘાડી દ્વારા આજે સાત ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી તેની ટીકા કરતાં થોરાતે જણાવ્યું હતું કે દેશમાં પ્રવર્તતી વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમારા કૉંગ્રેસ પક્ષે બંધારણ અને લોકશાહીમાં માનતા બધા રાજકીય પક્ષોને સાથે લેવા પ્રામાણિકપણે પ્રયત્ન ર્ક્યો હતો. ઉપરાંત સાંગલી લોકસભા ક્ષેત્રમાં કૉંગ્રેસનું નોંધપાત્ર વર્ચસ છે. સાંગલી અને વાયવ્ય મુંબઈ બંને બેઠકો માટે કૉંગ્રેસનો આગ્રહ હતો. 

કૉંગ્રેસને સાંગલીની લોકસભાની બેઠક મળે માટે વિધાનસભ્ય વિશ્વજીત કદમ દિલ્હી મોવડીઓને મળવા ગયા છે. ત્યારે શિવસેના (ઠાકરે) બંને બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરી દેતાં કૉંગ્રેસમાં બેચેની છે.