• રવિવાર, 28 એપ્રિલ, 2024

કાશ્મીરમાં એએફએસપીએ હટાવવા વિચાર  

સપ્ટેમ્બર પહેલાં વિધાનસભાની ચૂંટણી યોજાશે

નવી દિલ્હી, તા. 27 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે (27 માર્ચ) કહ્યું કે, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (અફસ્પા) હટાવવા પર વિચાર કરી રહી છે. સરકાર ત્યાં હાજર સૈનિકોને પરત બોલાવવાની યોજના પણ બનાવી રહી છે. સિવાય અમિત શાહે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બર પહેલાં કરાવવાની પણ વાત કરી છે.

અમિત શાહે એક મીડિયા ગ્રુપને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, સરકારે હવે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી માત્ર પોલીસને સોંપવાની તૈયારી કરી લીધી છે. પહેલાં ત્યાંની પોલીસ પર ભરોસો હતો, પરંતુ હવે પોલીસ મોટા ઓપરેશનને લીડ કરી રહી છે.

અમિત શાહે કહ્યું કે, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના ઓબીસીને અનામત આપી. અમારી સરકારે મહિલાઓને એક તૃતિયાંશ અનામત પણ આપી છે. પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં પણ ઓબીસી અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે એસસી અને એસટી માટે અનામતની જગ્યા બનાવી છે.

અમે ગુર્જર અને બકરવાલ સમુદાયનો હિસ્સો ઘટાડયા વિના પહાડીઓને 10 ટકા આરક્ષણ આપ્યું. અમે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી વિસ્થાપિત લોકોને અહીં સ્થાયી કરવા માટે વિશેષ જોગવાઈઓ કરી છે. અમારી સરકારે સુવિધાઓને પાયાના સ્તર સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે.

અમિત શાહે કહ્યું કે, જ્યારે અહીં આતંકવાદનો સમય હતો ત્યારે અબ્દુલ્લા ઈંગ્લેન્ડના પ્રવાસે જતા હતા. બંને (અબ્દુલ્લા અને મહેબૂબા)ને જમ્મુ-કાશ્મીરના મુદ્દાઓ પર અભિપ્રાય આપવાનો કોઈ અધિકાર નથી. બંનેના કાર્યકાળ દરમ્યાન અનેક નકલી એન્કાઉન્ટર થયા હતા. છેલ્લા 5 વર્ષમાં અહીં એક પણ નકલી એન્કાઉન્ટર થયું નથી, પરંતુ નકલી એન્કાઉન્ટરમાં સામેલ લોકો વિરુદ્ધ માત્ર એફઆઇઆર નોંધવામાં આવી છે.

અમિત શાહે કહ્યું કે, મોદી સરકારે આતંકવાદ સાથે જોડાયેલા 12 સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે. અમારી સરકારમાં ટેરર ફાંડિંગ સંબંધિત 22 કેસ નોંધાયા છે. 150 કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત 134 બેંક ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યાં છે.