• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભારત આંતરિક મામલામાં દખલ નહીં ચલાવે  

કેજરીવાલ મુદ્દે ટિપ્પણી બાદ અમેરિકાના રાજદ્વારીને બોલાવાયા

નવી દિલ્હી, તા. 27 : અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટિપ્પણીથી નારાજ થયેલાં ભારતે બુધવારે અમેરિકી રાજદ્વારી ગ્લોરિયા બર્બેનાને બોલાવ્યા હતા અને સ્પષ્ટ કહી દીધું હતું કે, ભારતના આંતરિક મામલામાં દખલ સ્વીકાર્ય નથી. ભારતીય વિદેશ મંત્રાલયે બોલાવતાં બર્બેના બપોરે એક અને 10 મિનિટે પહોંચ્યાં હતાં. 40 મિનિટ ચાલેલી બેઠકમાં ભારતે કહ્યું હતું કે, અમેરિકા અમારાં ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવે.

ભારતમાં કાયદાની કાર્યવાહી પર અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતાનું નિવેદન અયોગ્ય છે. કૂટનીતિમાં આશા રખાય છે કે, દેશ એક બીજાના આંતરિક મામલા અને સંપ્રભુતાનું સન્માન કરશે, તેવો સંદેશ ભારતે આપ્યો હતો. બન્ને દેશ લોકતાંત્રિક હોય ત્યારે આવી અપેક્ષા ઘણી વધી જાય છે, નહિતર અવ્યવસ્થાની સ્થિતિ વધી જાય છે, તેવું વિદેશ મંત્રાલયે કહ્યું હતું. ભારતે અમેરિકી રાજદ્વારીને બોલાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ભારતમાં કાનૂની પ્રક્રિયા સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત છે. તેના પર કલંક લગાવવા કે સવાલ ઉઠાવવાનાં કૃત્યો સ્વીકારી લેવાશે નહીં.

અમેરિકાએ કહ્યું હતું કે, કેજરીવાલની ધરપકડના અહેવાલ પર અમારી નજર છે. અમે નિષ્પક્ષ કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરીએ છીએ. પહેલાં જર્મની, પછી અમેરિકાના પ્રકારના ચંચુપાત સામે નારાજગી સાથે ભારતે કહી દીધું છે કે, આવી દખલ સહન કરી લેવાશે નહીં.