• બુધવાર, 22 મે, 2024

ચૂંટણી પ્રચાર માટે જામીન!  

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. જામીન સાથે આકરી શરતો રાખી છે. અૉફિસ કે દિલ્હી સચિવાલયની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. શરાબ કૌભાંડમાં ધરપકડ થઈ છે તે પ્રકરણમાં કંઈ પણ નહીં બોલવા જણાવ્યું છે. ઉપરાંત, લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે ખાસ જરૂરી હોય ત્યાં સુધી સત્તાવાર ફાઇલો પર સહી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેજરીવાલે છેલ્લા તબક્કાના મતદાનના એક દિવસ પછી બીજી જૂને જેલમાં પાછા ફરવાનું રહેશે.

કેજરીવાલ જામીન પર જેલની બહાર આવ્યા ત્યાર પછી તેમના પક્ષ `આપ'ના સભ્યોએ જેલથી તેમના નિવાસસ્થાન સુધી એવું જશન મનાવ્યું હતું જાણે કે તેમની કહેવાતા શરાબ કૌભાંડ પ્રકરણમાં નિર્દોષ મુક્તિ થઈ હોય! જોકે, તેમને જામીન આપી કોર્ટે ખોટી પરંપરા શરૂ કરી હોવાનું માનનારો પણ એક મોટો વર્ગ છે. વચગાળાની જામીન પછી પ્રચાર પૂરો થતાં જેલમાં પાછા ફરવાની શરતથી સ્પષ્ટ થાય છે કે સુપ્રીમ કોર્ટ તેમના પર મૂકવામાં આવેલા આરોપોને ગંભીર માની રહી છે અથવા તો તેમને નિર્દોષ નહીં માનીને કામચલાઉ જામીન આપ્યા છે.

શું કોઈ નેતાને ચૂંટણી પ્રચાર કરવાનો મૌલિક બંધારણીય અધિકાર છે? અને હોય તો અન્ય નેતાઓ જેઓ પક્ષના કે સંગઠનના વડા કે વરિષ્ઠ નેતા હોય એમને આવી છૂટ મળશે? નાના-મોટા પક્ષના અનેક નેતાઓ કલંકિત છે. શું હવે તેઓને પણ કેજરીવાલ જેવી સુવિધા મળશે? પ્રશ્ન પણ છે કે જે આધાર પર કેજરીવાલને જામીન મળી, શું આધાર પર ઝારખંડના માજી મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પણ મળશે?

દેશમાં અલગ અલગ ચૂંટણી થતી રહે છે અને પાકિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પણ આધાર પર જામીન માગી શકે છે. સુપ્રીમ કોર્ટની દૃષ્ટિએ અમૃતપાલનો કેસ કેજરીવાલથી અલગ હોઇ શકે છે, પરંતુ આનાથી શું અમૃતપાલ જેવા લોકો કોર્ટનો દરવાજો ખટખટાવતા અટકી જશે-? ન્યાય સમાનતાના સિદ્ધાંતની માગ કરે છે. ભૂતકાળમાં અનેક મોટા નેતાઓની જામીન ચૂંટણી પ્રચાર માટે નકારવામાં આવી છે. યાદ રહે ઈડીએ અનેક સમન્સ મોકલ્યા છતાં કહેવાતા શરાબ કૌભાંડની તપાસ માટે તેઓ ઈડી સમક્ષ હાજર નહીં થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાઈ કોર્ટે પણ ધરપકડને કાયદેસર લેખાવી છે.

અહીં કમલનાથના પ્રકરણનો ઉલ્લેખ કરવો ઘટે. તેમના પર `ટાડા' હેઠળ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે એમણે સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે વચગાળાના જામીન માગ્યા હતા, પરંતુ તે જામીન નકારતા કોર્ટે કહ્યું હતું કે, જો સાંસદ હોવાના નાતે વચગાળાના જામીનનો અધિકાર હોય તો આમ આદમીને શા માટે નહીં? કેજરીવાલના વચગાળાના જામીનના આદેશ દૂરગામી અસર છે અને ભવિષ્ય માટે ઉદાહરણ બનશે. આનાથી તો ગુનેગારો માટે વચગાળાની જામીન માગવાનો રસ્તો ખુલ્લો થવાનો ભય તો રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક