ભારત અને બ્રિટને ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર કર્યા છે તેના પરિણામે બંને દેશોના અર્થતંત્રને લાભ મળશે અને વિકાસ ઝડપી બનશે. આ ઉપરાંત સંરક્ષણ ઉદ્યોગમાં પણ ભાગીદારી થશે. બ્રિટનમાં વસવાટ કરી રહેલા ખાલિસ્તાનીઓ - પંજાબના અલગતાવાદીઓ - લોકશાહીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને લોકતંત્રને નુકસાન કરી રહ્યા છે એ વિષય વડા પ્રધાન મોદીએ બ્રિટિશ વડા પ્રધાન કેઇટ સ્ટાર્મર સાથેની મુલાકાતમાં ઉઠાવ્યો હતો.
મુક્ત વ્યાપાર કરાર ઉપર સહીસિક્કા થઈ ગયા પછી મોદીએ બ્રિટિશ
સરકારનો આભાર માનીને કહ્યું કે વડા પ્રધાન સ્ટાર્મર અને એમની સરકારે પહલગામમાં પર્યટકો
ઉપર કરેલા ઘાતકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને આતંકવાદ સામેની લડતમાં બેવડાં
ધોરણો હોઈ શકે નહીં એ બાબત અમે સહમત છીએ. લોકતંત્રનો દુરુપયોગ અંતિમવાદીઓને કરવા દેવાય
નહીં એમ પણ અમે બંને સ્વીકારીએ છીએ.
બ્રિટનની ધરતી ઉપર વસવાટ કરી રહેલા ખાલિસ્તાનીઓ લોકશાહીનો
દુરુપયોગ કરી રહ્યા છે તે બંધ થવું જોઈએ એમ મોદીએ કહ્યું છે. અલગતાવાદીઓ ઉપરાંત આર્થિક
ગુનેગારો બ્રિટનમાં છુપાયા છે અને ભારતીય કાનૂન સામે આશ્રય લઈ રહ્યા છે તે પ્રતિ બ્રિટિશ
વડા પ્રધાનનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. હવે આવા ભાગેડુઓને પકડીને ભારતમાં
મોકલવા માટે ભારતીય એજન્સીઓને બ્રિટિશ એજન્સીઓનો સહકાર મળશે. ભારતથી ભાગીને બ્રિટનમાં
આશ્રય મેળવનારા વિજય માલ્યાનું નામ પણ આ સંબંધમાં ચર્ચાયું હોવાનું મનાય છે.
ભારત યુકેના વિઝન-35 દસ્તાવેજનો બંને વડા પ્રધાનોએ સ્વીકાર
કરીને સમર્થન આપ્યું છે. ‘િવઝન’નું વાર્ષિક અવલોકન - સમીક્ષા બંને દેશોના વિદેશપ્રધાનો
કરતા રહેશે. આ સાથે સંરક્ષણ - ઉદ્યોગમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા
કરીને સહયોગ વધારવાનાં પગલાં ભરશે એવી સમજૂતી થઈ છે.