• શનિવાર, 26 જુલાઈ, 2025

વ્યૂહાત્મક વેપાર કરાર

ભારત અને બ્રિટન વચ્ચે સાડા ત્રણ વર્ષની સઘન મંત્રણાઓ અને અનેક ચડાવઉતાર બાદ મુક્ત વેપાર કરાર પર સહીસિક્કા થયા છે. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયું ત્યાર પછી આ તેના સૌથી મોટા અને મહત્ત્વના વેપાર કરાર છે. કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક ઍન્ડ ટ્રેડ એગ્રીમેન્ટના પગલે બંને દેશો વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓનો વેપાર 2024માં 42.6 અબજ પાઉન્ડનો હતો. તેમાં 2040 સુધીમાં વર્ષે 25.5 અબજ પાઉન્ડનો વધારો થવાની ધારણા છે. બંને દેશો દ્વિપક્ષી રોકાણ કરાર વિષે પણ મંત્રણા કરી રહ્યા છે. જ્યારે તે સંપન્ન થશે ત્યારે તેમના આર્થિક સંબંધોમાં સર્વાંગી સુધારો થશે.

આ કરારનું એક નોંધપાત્ર પાસું એ છે કે તેમાં બંને દેશોનાં હિતો અને સંવેદનાનો ખ્યાલ રખાયો છે. કરાર અન્વયે ભારતની 99 ટકા ચીજવસ્તુઓ (લગભગ 100 ટકા નિકાસમૂલ્ય) બ્રિટનમાં વગર જકાતે પ્રવેશી શકશે. તેની સામે બ્રિટનની 90 ટકા ચીજવસ્તુઓ (92 ટકા નિકાસમૂલ્ય) ભારતમાં જકાતમુક્ત પ્રવેશ મેળવી શકશે. ભારતના પરંપરાગત શ્રમપ્રધાન ઉદ્યોગો કાપડ અને વત્રો, ચામડું અને પગરખાં, રત્નો અને આભૂષણો, રમકડાં અને સમુદ્રી પેદાશ બ્રિટનમાં વગર જકાતે પ્રવેશી શકશે. અત્યારે તેમના પર ચારથી 16 ટકા જકાત લાગે છે.

તેની સામે ભારત બ્રિટનના વ્હિસ્કી અને જિન પરની જકાત હાલના 150 ટકાથી તાત્કાલિક ઘટાડીને 75 ટકા અને દસ વર્ષમાં 40 ટકા કરવા કબૂલ થયું છે. બ્રિટનનાં વાહનો પરની જકાત 100 ટકાથી ઘટાડીને 10 ટકા કરાશે પણ તે નિકાસને ક્વૉટા લાગુ પડશે. બ્રિટનનાં દાક્તરી ઉપકરણો, પ્રસાધનો, ઠંડાં પીણાં, ચૉકલેટ અને બિસ્કિટથી લઈને મશીનરી અને અવકાશ ક્ષેત્રના માલસામાન સુધીની ચીજો પર ભારત જકાત ઘટાડશે. ભારત માટે સંવેદનશીલ એવી કેટલીક ચીજો (સફરજન, ડેરી પ્રોડક્ટસ અને ચીઝ) કરારની બહાર રખાઈ છે. ખાંડ, છડેલા ચોખા, ડુક્કરનું માંસ, મરઘાં અને ઇંડાંને પણ બાકાત રખાયાં છે. જોકે, બ્રિટનની થીજાવેલી અને તાજી સામન અને કોડ માછલીઓ અને ઘેટાંનું માંસ વગર જકાતે ભારતમાં આવી શકશે.

કરારની જોગવાઈઓ અનુસાર કૉન્ટ્રાક્ટના હિસ્સા તરીકે બ્રિટનસ્થિત શાખામાં ટ્રાન્સફર થવાથી કે પરિષદોમાં હાજરી આપવા માટે બ્રિટન આવતા વ્યવસાયિકોની વિઝા અરજીઓનો ઝડપથી નિકાલ કરાશે. આને કારણે ઈજનેરી, આર્કિટેક્ચરલ, એકાઉન્ટિંગ, સેવાઓ અને મૅનેજેરિયલ કન્સલ્ટન્સી સેવા પૂરી પાડનારા વ્યવસાયીઓને લાભ થશે. બ્રિટનમાં કામ કરતા ભારતીય કર્મચારીઓ અને કંપનીઓને ત્રણ વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટીમાં યોગદાન આપવામાંથી મુક્તિ મળશે. ભારત સરકારે આને એક મોટી સિદ્ધિ ગણાવી છે. ભારતીય કંપનીઓ આરોગ્ય સંભાળ, પરિવહન અને ઊર્જા ક્ષેત્રે બ્રિટનની સરકારી ખરીદીમાં ભાગ લઈ શકશે. સામે પક્ષે બ્રિટિશ કંપનીઓને મેક-ઈન-ઇન્ડિયા નીતિ હેઠળના લાભ મળી શકશે. સહીસિક્કા થઈ ગયા બાદ આ કરારને બ્રિટનમાં સંસદની બહાલીની અને ભારતમાં પ્રધાનમંડળની મંજૂરીની જરૂર પડશે. તે અમલમાં આવતા એકાદ વર્ષ નીકળી જશે.

અમેરિકા સાથે મર્યાદિત વેપાર સમજૂતી કરવામાં પણ અનેક અડચણો આવી રહી છે ત્યારે બ્રિટન સાથે વ્યાપક વેપાર કરાર કરીને ભારતે આડકતરી રીતે અમેરિકાને સંદેશ આપ્યો છે. ભારતની અગ્રિમતાઓ કઈ છે, કઈ બાબતમાં ભારત બાંધછોડ નહિ કરે અને કઈ બાબતમાં તે જતું કરવા તૈયાર છે તેનો ખ્યાલ આ કરાર પરથી આવી શકે છે. અમેરિકા એમાંથી કેટલું સાંભળશે એ જોકે અલગ વાત છે.