ક્રૂડતેલની ક્રૂર આંચ ઓછી થાય એવું જ્યારે જ્યારે લાગે છે, ત્યારે કંઈકને કંઈક એવું થાય છે કે લાભને બદલે જોરદાર લાત પડે છે. ગયા મહિને અમેરિકન સેનેટમાં રશિયા પાસેથી તેલ-ગૅસ ખરીદનારા દેશો પર 100 ટકા સુધી ટેરિફ લાદવાના ખરડાને બહાલી આપી ત્યારે એવું લાગતું હતું કે તેના પર અમલ થવામાં અંતરાયો આવશે. રશિયા પાસેથી તેલની ખરીદી કરનારા દેશો પર 100 ટકા ટેરિફ લગાડવાનો અધિકાર પ્રેસિડન્ટ ટ્રમ્પને આપતા ખરડાને રિપબ્લિકન્સનો ટેકો હોય એ તો દેખીતી વાત છે, પણ વિરોધી પક્ષ ડેમોક્રેટ્સના 58 સભ્યોએ રશિયા સામે દંડાત્મક કાર્યવાહીને ટેકો આપ્યો છે. આની અસર યુક્રેન યુદ્ધ અટકાવવાના પ્રયાસો, ચીન સાથેના સંબંધો તથા ભારતનાં આર્થિક હિતો પર પડવાની છે.
હજી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આ ખરડા પર હસ્તાક્ષર નથી કર્યા પણ એ તો ઔપચારિકતા માત્ર છે. જોકે, આ ખરડાનું ટાઈમિંગ એવું છે કે, અનેક મહિનાઓના ચક્કાજામ પછી રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ પ્રયાસો શરૂ થયા છે ત્યારે આ દિશામાં થયેલી પ્રગતિ એળે જશે એવી ચિંતા છે. ટેરિફની અસર રશિયાને સીધી નહીં થાય પણ ભારત અને ચીન પર આનો પ્રભાવ વ્યાપક હશે. અમેરિકા સાથેના વ્યાપારમાં સમાનતા લાવવાની વાત કરતા ટ્રમ્પની ગણતરી અને સમીકરણ વિચિત્ર છે. તેમનું કહેવું છે કે, ભારત અમેરિકા પાસેથી જેટલી આયાત કરે છે, તેના પ્રમાણમાં તેની નિકાસ ખાસ્સી મોટી છે. આ મુદ્દાને લઈને ભારત-અમેરિકા વચ્ચેની બહુચર્ચિત વેપાર કરાર અધ્ધરતાલ જ છે, હવે આમાં વધુ સો ટકા ટેરિફનો બોજો ઉમેરાશે. ચીને અમેરિકા સાથે શિંગડાં ભરાવી શકે એવી સ્થિતિમાં છે અને આ પહેલાં અમેરિકાના 100 ટકા ટેરિફ સામે ચીને પણ એટલા જ પ્રમાણમાં અમેરિકન માલ પર આયાત શુલ્ક લાદ્યો હતો. વાત વધી અને મામલો ક્રિટિકલ મિનરલ્સ તથા ટેક્નૉલૉજી પર બંધી સુધી પહોંચી હતી.
વિશ્વનાં બે મોટાં અર્થતંત્ર વચ્ચે ટકરાવ કોઈના માટે સારી
વાત નથી જ. એક તો પહેલેથી જ વિશ્વભરમાં હોર્મુઝ ખાડીમાં મડાગાંઠને કારણે ક્રૂડતેલના
ભાવ વધેલા છે, ક્રૂડ અૉઈલ જ્યાંથી પસાર થાય છે એ બાબ-અલ-મંદેબ પર પણ જોખમ તોળાઈ રહ્યું
છે. આવામાં, રશિયન ક્રૂડ પર પ્રતિબંધની ઝાળ સૌને અનુભવાશે. ભારત સીધું જ અમેરિકા સામે
થઈ શકે એમ નથી, છતાં આપણું વલણ સ્પષ્ટ છે - દેશના 140 કરોડ નાગરિકો અમારી પ્રાથમિકતા
છે. ભારતે કોની પાસેથી ક્રૂડની ખરીદી કરવી અને ક્યાંથી નહીં એ અમેરિકા નક્કી ન કરી
શકે. જોકે, ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદીમાં વધારો-ઘટાડો કરી આયાત વિકલ્પોમાં વૈવિધ્ય
લાવવાનું ચાલુ રાખ્યું છે. આ વલણ યોગ્ય છે, કેમ કે કૂટનીતિમાં પોતાનાં હિતોને પ્રાધાન્ય
આપવાનું મહત્ત્વ આગવું છે. વળી, અમેરિકાના અભિગમ અને રીતરસમ પર વિશ્વાસ કરી શકાય એમ
નથી.