• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ટેરિફ દબાણ સામે મક્કમ જવાબ

વધુ પડતી ઔદ્યોગિક ક્ષમતાનું કારણ આગળ કરી ડૉનાલ્ડ ટ્રમ્પ વહીવટે ભારતથી થતાં માલની આયાત પર પચીસ ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે (યુએસટીઆર) આ સાથે એમ પણ કહ્યું છે કે, બંને દેશો વચ્ચે ઔપચારિક વેપાર કરાર પર હસ્તાક્ષર થાય તો ટેરિફ 17 ટકા થઈ જશે. આમ પણ છેલ્લા વીસ મહિનામાં ટેરિફ બાબતે જે તાનપલટા આવ્યા છે, એ જોતાં આ મોરચે કશું જ અંતિમ નથી એ જ સનાતન બાબત છે. ગયા વર્ષના એપ્રિલ મહિનામાં લિબરેશન ડેના નામે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ઝીંકવાથી શરૂ થયેલા આ પ્રવાસમાં દસ ટકાની રાહત અને અૉગસ્ટ, 2025માં રશિયા પાસેથી ક્રૂડતેલની ખરીદીની શિક્ષા તરીકે 50 ટકાનો તાતિંગ વધારો ઝીંકી દેવા સુધીના પડાવ પર પહોંચ્યો. ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય વાટાઘાટો અને અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટી તંત્રના આ ટેરિફ ટેરરને ગેરકાયદે ગણાવી દૂર કરી ત્યારે ભારતે રાહતનો શ્વાસ લીધો. જોકે, વાશિંગ્ટનનું વલણ યથાવત્ છે, બસ હથિયાર બદલ્યું છે અને 1974ના ટ્રેડ ઍક્ટની કલમ 301 હેઠળ પહેલા દસ ટકા અને હાલમાં પચીસ ટકા સુધીનો નવો ટેરિફ દર લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે દસ ટકા ટેરિફ છે આથી ચોખ્ખો વધારો પંદર ટકાનો જ છે. ટ્રેડ ડીલની વાટાઘાટોનો અંત આવતો નથી અને સાથે જ દબાણ લાવવાની અને ટેરિફનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરવાની ટ્રમ્પની નીતિ પણ યથાવત્ છે.   

ભારત દ્વારા અમેરિકામાં થતી સૌથી મોટી નિકાસ એટલે જેનરિક દવાઓ, ઈલેક્ટ્રોનિક્સ અને ઊર્જા ઉત્પાદનો આ પ્રસ્તાવિત ટેરિફમાંથી બાકાત છે. જોકે, આની અવળી અસર ટેક્સ્ટાઈલ, જેમ્સ ઍન્ડ જ્વૅલરી તથા સીફૂડ અને સોલાર જેવા શ્રમપ્રધાન ઉદ્યોગો પર પડી શકે છે. ચિંતાનો વિષય એ પણ છે કે, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશો પર અમેરિકાએ 18 ટકા ટેરિફ નાખી છે અને ભારત પર પચીસ ટકા ટેરિફને કારણે ભારતીય માલ આ દેશો કરતાં મોંઘો થઈ શકે છે. વેપાર કરાર થાય તો ટેરિફ 17 ટકા થાય અને ભારતનો હાથ આ પ્રતિસ્પર્ધીઓમાં ઉપર રહે. અમેરિકાની નજર ભારતનાં કૃષિ અને ડેરી ક્ષેત્ર પર છે અને તેમાં પગપેસારો કરવા મળે એ દિશામાં જ દબાણતંત્ર અજમાવવામાં આવી રહ્યું છે. જોકે, ભારત પોતાનાં હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ હોવાથી વધુ પડતી ઉત્પાદન ક્ષમતાનું કારણ આગળ કરાયું છે. વાસ્તવિકતા એ છે કે, વૈશ્વિક અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રના સરેરાશ કરતાં ઓછું છે અને ભારત સરકારનો લક્ષ્યાંક તેમાં વધારો કરવાનો છે, આથી અમેરિકાએ કલમ 301 હેઠળ ટેરિફ લાદવા માટે જ કાનૂની બહાનું ઊભું કર્યું છે એવો નિષ્ણાતોનો મત છે.

ભારતનું વલણ આ પ્રસ્તાવિત ટેરિફ બાબતે બહુ સ્પષ્ટ છે - તમામ વિવાદો દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો દ્વારા જ ઉકેલવા જોઈએ. જાન્યુઆરી, 2027માં જાહેર સુનાવણી અને અંતિમ નિર્ણય પૂર્વે ભારત પાસે સમય છે, સ્થાનિક ઉદ્યોગોનાં હિતોનું તથા કૃષિ ક્ષેત્રનું રક્ષણ કરતા સંતુલિત વેપાર કરાર તરફ આગળ વધવા સાથે નિકાસકારોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક ધાર મળે એ માટેના પ્રયત્નો કરવાના રહે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ