• શનિવાર, 27 એપ્રિલ, 2024

શિવમ દુબેનો ઝંઝાવાતી દેખાવ : ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ થશે ?  

નબળા ફોર્મ-ફિટનેસને લીધે હાર્દિકનું પત્તું કપાઇ શકે છે

નવી દિલ્હી, તા.27: આઇપીએલનો ફાઇનલ મેચ તા. 26 મેના રોજ રમાશે. તેના ઠીક એક સપ્તાહ બાદ એટલે કે તા. 2 જૂનથી વેસ્ટ ઇન્ડિઝ અને યૂએસએમાં ટી-20 વર્લ્ડ કપનો આરંભ થશે. આઇપીએલમાં સારો દેખાવ કરનાર ખેલાડીને ઇનામ રૂપે ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં જગ્યા મળી શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, રિંકુ સિંહ, મોહમ્મદ સિરાઝ અને કેએલ રાહુલના સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જે સ્થાન માટે રસાકસી છે તે ઓલરાઉન્ડરનો સ્લોટ છે. જે માટે હાલ હાર્દિક પંડયા અને શિવમ દૂબે વચ્ચે રેસ છે. એક સમયે હાર્દિક પંડયા ટી-20 વિશ્વ કપમાં ભારતનો કપ્તાન હશે તેવી સંભાવના હતી. હવે તેના ટીમના સ્થાન પર જોખમ છે. 

હાર્દિક અને શિવમ બન્ને ઝડપી બોલર ઓલરાઉન્ડર છે. જો કે શિવમ દૂબે નિયમિત રીતે બોલિંગ કરતો નથી પરંતુ તેનું પાવર હિટિંગ જબરદસ્ત છે. જે આઇપીએલનમાં જોવા મળી રહ્યં છે. ગઇકાલના મેચમાં તેણે ચેન્નાઇ તરફથી ગુજરાત સામેના મેચમાં 23 દડામાં 5 છક્કાથી 51 રનની ઇનિંગ રમી હતી. તેની ફિટનેસ પણ હાર્દિક કરતા ઘણી સારી છે. આથી ટી-20 વર્લ્ડ કપમાં તે હાર્દિકનું પત્તુ કાપીને ટીમમાં જગ્યા મેળવી શકે છે. માટે શિવમ દૂબેએ આઇપીએલની પૂરી સીઝનમાં તેનું ઝંઝાવાતી ફોર્મ જાળવી રાખવું પડશે. બીજી તરફ મુંબઇ ઈન્ડિયન્સના કેપ્ટન બનનાર હાર્દિકે ફોર્મ ઝળકાવવું પડશે. તેણે બેટ અને બોલ બન્નેમાં સારો દેખાવ કરવો પડશે. સતત નબળા દેખાવને લીધે તેની ટી-20 વિશ્વ કપમાંથી બાદબાકી થઇ શકે છે.