• શનિવાર, 27 એપ્રિલ, 2024

સીએસકેનો નવો ફટકાબાજ સમીર રિઝવી ડેબ્યુ મૅચના પહેલા જ દડે છગ્ગો ફટકાર્યો

ચેન્નાઇ, તા.27: ઉત્તર પ્રદેશના મેરઠનો અનકેપ્ટડ પ્લેયર સમીર રિઝવી હવે આઇપીએલની સૌથી સફળ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સનો નવો ફટકાબાજ બની ગયો છે. ગઇકાલે તેણે આઇપીએલના ડેબ્યૂ મેચમાં પહેલા દડે છક્કો ફટકારીને સનસની મચાવી દીધી હતી. તેણે રાશિદ ખાન જેવા આંતરરાષ્ટ્રીય સ્પિનરનો સામનો કરવામાં જરા પણ ડર અનુભવ્યો હતો અને પહેલા દડે લેગ સાઇડમાં સિક્સ ફટકારી દીધી હતી. સમીર રિઝવીએ 16 વર્ષની વયે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. આઇપીએલના ઓક્શનમાં ધોનીની ટીમ સીએસકે દ્વારા તેના પર 8.40 કરોડનો મોટો દાવ ખેલવામાં આવ્યો હતો. સમીર રિઝવીએ યુપી ટી-20 લીગમાં કાનપુર સુપર સ્ટાર્સ તરફથી રમતા 9 મેચમાં 455 રન કર્યા હતા. જેમાં 47 દડામાં સદી ફટકારી લીગની સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. ગઇકાલના આઇપીએલના મેચમાં તેણે ચેન્નાઇ તરફથી 6 દડામાં 2 છક્કાથી 14 રનની કેમિયો ઇનિંગ રમી હતી. ખાસ વાત રહી કે તેને ધોનીના સ્થાને બેટિંગમાં ઉતારવામાં આવ્યો હતો.