• બુધવાર, 29 નવેમ્બર, 2023

`ભારત વિશ્વ કપ જીતશે તો લોકોને 100 કરોડનું ઈનામ'

એસ્ટ્રોટોક પ્લૅટફૉર્મના સીઇઓએ કરી હતી ઘોષણા 

નવી દિલ્હી, તા. 19 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023નો ફાઇનલ મેચ રમાયો હતો. આ મેચ જોવા માટે પીએમ મોદી સહિતના દિગ્ગજો પહોંચવાના હતા. ભારત આ મેચ જીતે તેવી લોકો દ્વારા દુઆ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક કંપનીના સીઈઓએ મોટું એલાન કરી દીધું હતું. જ્યોતિષ પ્લેટફોર્મના સીઇઓ પુનીત ગુપ્તાએ ઘોષણા કરી હતી કે જો ભારત વિશ્વકપ જીતી જશે તો યુઝર્સને 100 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે.

પુનીત ગુપ્તાએ શરત મૂકી હતી કે 100 કરોડની ઈનામી રકમ એવા લોકોને જ આપવામાં આવશે જેઓએ વિશ્વકપના ફાઇનલ પહેલા એસ્ટ્રોટોક ઉપર રજિસ્ટ્રેશન કરાવી લીધું હોય. પ્રત્યેક યુઝર્સને કેટલી રકમ આપવામાં આવશે તે કુલ રજિસ્ટ્રેશનની સંખ્યા ઉપર નિર્ભર રહેશે. પુનીત ગુપ્તાએ લિંકડઇન ઉપર પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે જ્યારે ભારતે 2011નો વિશ્વકપ ફાઇનલ જીત્યો હતો ત્યારે તે કોલેજમાં હતા. તેમણે આ મુકાબલા પહેલા રાતભર મિત્રો સાથે ચર્ચા કરી હતી અને વિશ્વકપ જીતી જતા ખૂબ આનંદ થયો હતો. આ દિવસ સૌથી આનંદનો હતો. તેવામાં હવે આ વખતે જો ભારત જીતી જશે તો યુઝર્સને 100 કરોડની ઈનામી રકમ આપવામાં આવશે.