આર્થિક ક્ષેત્રે આધુનિકતાના વ્યાપ સાથે જ સતત વધી રહેલા આર્થિક ગુના ઉપર નિયંત્રણ રાખવા તરફ હવે સર્વોચ્ચ અદાલતે વધારે આકરું વલણ અપનાવ્યું છે. રિઝર્વ બૅન્કને બહુજન હિતાય આપેલા આદેશમાં કોર્ટે ચાર સપ્તાહની અંદર એસ.ઓ.પી. બનાવવા આદેશ કર્યો છે. અન્ય કેટલાક મહત્ત્વના નિર્દેશ પણ આપીને કોર્ટે કહ્યું છે કે આ પ્રકારના ગુના શક્ય તેટલા જલદી અટકવા જોઈએ. કોર્ટની ચિંતા સમયસરની અને યોગ્ય છે. સ્માર્ટ મોબાઈલ ફોન, આર્થિક વ્યવહારો માટેની વિવિધ એપ્લિકેશન્સ સહિતની સુવિધાઓમાં સતત થઈ રહેલી વૃદ્ધિની સાથે સામાન્ય માણસોની મૂડી-પૈસા ઉપર જોખમ પણ વધી રહ્યું છે. કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. નાણાકીય લેવડદેવડ સરળ બની છે તો ગુનાખોરો માટે પણ જાણે આ પદ્ધતિઓએ ગુના આચરવાનું સહેલું કરી દીધું છે.
શીર્ષ અદાલતની બેન્ચે કહ્યું કે, અૉનલાઈન આર્થિક ગુનામાં વપરાતા નકલી બૅન્ક
એકાઉન્ટના દૂષણને પહોંચી વળવા માટે ચાર અઠવાડિયાંમાં નિર્ધારિત સંચાલન પ્રક્રિયા-એસઓપી
રિઝર્વ બૅન્કે બનાવવી આવશ્યક છે. જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલા બાગચી અને વી.
મોહનાની પીઠે જન ગણની ચિંતા કરતાં રિઝર્વ બૅન્કને સતર્ક કરી છે. સાયબર ક્રાઈમ માટે
ઉપયોગમાં લેવામાં આવતા મ્યુલ એકાઉન્ટ ઉપર કાયમી પ્રતિબંધ લગાવી દેવાનું કહેવાયું છે.
અૉનલાઈન ઠગાઈમાં જેમના પૈસા ગયા હોય તેમને તે રાશિ પરત મળે તે માટે ફરિયાદ નિવારણ મોડયુલ
દાખલ કરાયું છે તેનો ઝડપથી અમલ થાય તેવું પણ કોર્ટે તમામ રાજ્યની સરકાર અને કેન્દ્રશાસિત
પ્રદેશોની પોલીસને કહ્યું છે.
અપરાધીઓ કોઈ વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપાડી લે કે પછી નકલી કૉલ, ક્રેડિટ કાર્ડની
અૉફર જેવા કારસા રચીને પૈસા પડાવી લે તેવા કેસની તપાસ ત્વરિત શરૂ થાય તે માટે થઈને
ઈ-ઝીરો એફઆઇઆર વ્યવસ્થા અપનાવવા ઉપર જોર અપાયું છે, જેથી આવા કિસ્સાની તપાસ જલદી શરૂ
થઈ શકે. જે ખાતાં તપાસ દરમિયાન સ્થગિત કરાયાં હોય તેનું નિરાકરણ પણ જલદી કરી નાખવું
જોઈએ. કોર્ટે આ વલણ અપનાવ્યું તેની સાથે અગત્યની વાત એ પણ છે કે કોર્ટે અગાઉ જે આદેશ
આપ્યા હતા તે પછી વિવિધ મંત્રાલયો, નિયામકો, તપાસ એજન્સીઓ, બૅન્કો દ્વારા વિસ્તૃત વિવરણ
અપાયું છે અને ડિજિટલ એરેસ્ટ જેવા કિસ્સાઓ સામે પગલાં લેવામાં સારા પરિણામ મળ્યાં છે.
2024માં ડિજિટલ એરેસ્ટની સંખ્યા 1,23,672 હતી, જે 2025માં ઘટીને 58,249 થઈ ગઈ
છે. 2026ના જૂન માસની 30મી તારીખ સુધીમાં તે ઘટીને 16,377 થઈ ગઈ છે તેવું સાયબર અપરાધ
રિપોર્ટિંગ પોર્ટલ ઉપરથી બહાર આવ્યું છે. સીબીઆઇએ 16 રાજ્યોનાં 93 સ્થળો ઉપર કરેલી
તપાસની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો છે. દસ કરોડ રૂપિયાથી વધારેની ઠગાઈ હોય તો જ સીબીઆઇ
કેસ હાથમાં લે છે તે મર્યાદા પણ ઘટાડવાની જરૂરત કોર્ટને જણાઈ છે. સુપ્રીમ કોર્ટે જે
જે કહ્યું છે તે અત્યંત અગત્યનું છે. સાયબર ક્રાઈમ સત્વરે રોકાય તે અનિવાર્ય છે. આ
તમામ કાનૂની કાર્યવાહીની જેને સતર્કતા- અવેરનેસ કહેવાય તેવાં પગલાં પણ જરૂરી છે. ડિજિટલ
લિટરસી એટલે કે કેવી રીતે આ બધાં ઉપકરણ અને ઍપ્સનો ઉપયોગ કરવો, સાયબર છેતરપિંડીથી કેવી
રીતે બચી શકાય તેની માહિતી ફેલાવવી આવશ્યક છે.