26મી શાંઘાઈ કો-અૉપરેશન અૉર્ગેનાઈઝેશન શિખર પરિષદના વૈશ્વિક મંચ ઉપર દેખાયેલાં કેટલાંક દૃશ્યો આંખ ઠારે તેવાં અને પાકિસ્તાન જેવા દેશોના હૈયે આગ લગાડે તેવાં છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મળેલી આ પરિષદ દૂરોગામી અસર થઈ શકે તેવા ભૂ-રાજકીય સમીકરણનું કેન્દ્ર બની છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક મંચ ઉપર આવ્યા. હસ્તધૂનન કર્યું તે ઘટના ઉપર દુનિયાના દેશોની નજર પડી. તેની ચર્ચા પણ સર્વત્ર થઈ. યરીસ ઓર્ડો કૉંગ્રેસ હૉલની દીવાલો આ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બની. આ ત્રણેય નેતાઓના ઉષ્માભર્યાં સ્મિત,અનૌપચારિક મુલાકાત ફક્ત રાજદ્વારી શિષ્ટાચાર નથી, વિશ્વ સ્તરે ભારતની વધતી જતી સ્વીકૃતિ, સંતુલન જાળવવાની ક્ષમતાનું પ્રતીક છે.
સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકનું મહત્ત્વ પણ અદકેરું છે. યુક્રેન અને પશ્ચિમ એશિયાના સંઘર્ષોથી ઘેરાયેલા વિશ્વને ભારતે ફરી એકવાર બારણે બારણે બુદ્ધ જગાવોનો એટલે કે યુદ્ધ નહીં પરંતુ શાંતિનો સંદેશ આપ્યો છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પુતિનને કહ્યું કે અનંત યુદ્ધમાંથી યુદ્ધના અંત તરફ વિશ્વએ માનવતાના કલ્યાણ માટે આગળ વધવું જોઈએ. આ ફક્ત શબ્દો નથી. ભારતની ભાવના, વિશ્વબંધુત્વની માનસિકતા અને સર્વે ભવન્તુ સુખીન: જેવા વિશ્વકલ્યાણના ભારતીય મંત્રની અભિવ્યક્તિ છે. પુતિને પણ આ અનુરોધને વિશેષ ગણાવીને બિરદાવ્યું છે. યુદ્ધની આકરી પરિસ્થિતિ વચ્ચે પણ રશિયા ભારતને ઊર્જા અને ખાતરનો પુરવઠો આપવાનું ચાલુ રાખશે તેવો ભરોસો તેમણે આપ્યો તે ભારતનું સામર્થ્ય દર્શાવે છે.
બીજી તરફ શી જિનપિંગ અને પુતિન સાથે મોદીના મિલને પશ્ચિમી દેશો અને વિશેષત: અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન માટે તણાવ ઊભો કર્યો છે. આ સમિટ દરમિયાન પાકિસ્તાન ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું, વડા પ્રધાન શાહબાઝ શરીફની અવગણના પણ વિશ્વે જોઈ. આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાન કેટલું અલગ પડી ગયું છે તે જોવા મળ્યું. એક તરફ આતંકી પ્રવૃત્તિઓ માટે હવે પાકિસ્તાન જગખ્યાત બની ગયું છે ત્યારે ભારતે વિશ્વશાંતિનો સંદેશ આપ્યો છે.
બિશ્કેકની આ બેઠક ભારતમાં યોજાઈ રહેલી બ્રિક્સ સમિટની તૈયારી સમાન છે, જિનપિંગ અહીં આવવાના છે તેવી શક્યતાથી ચીન સાથેના સંબંધોમાં સુધારાની ઉષાના સંકેત છે. બીજી તરફ રશિયાને પણ આપણા દેશના વડા પ્રધાને યુદ્ધ રોકવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે શાંતિ તરફનું દરેક પગલું નવી આશા આપે છે.