યુદ્ધ, વૈશ્વિક અનિશ્ચિતતા અને ક્રૂડતેલના ઊંચા ભાવ વચ્ચે ભારતે નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા કુલ ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્શન-જીડીપી નોંધાવ્યું છે એ અપેક્ષા કરતાં બહેતર છે અને વિકાસની ગતિ ધીમી પડશે એવા અંદાજ વચ્ચે નોંધપાત્ર પણ છે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી વિકાસદર સાત ટકાથી ઉપર રહ્યો છે, એ દેખાડે છે કે ભારતની અર્થતંત્રની લવચિકતા, પ્રતિકાર ક્ષમતા અને દરેક પરિસ્થિતિમાં અડગ ઊભાં રહી શકે છે. જોકે, આગળ પણ આ ગતિ જળવાઈ રહે એ માટે આવશ્યક છે કે નીતિગત પગલાં યોગ્ય દિશામાં લેવાય. હજી ગયા અઠવાડિયા સુધી અર્થશાસ્ત્રીઓએ ભારતની જીડીપી વૃદ્ધિ 7.1 ટકા જેટલી રહેશે એવો અંદાજ બાંધ્યો હતો અને રિઝર્વ બૅન્કના અંદાજ કરતાં પણ સારી કામગીરી જોવા મળી છે.
ક્રૂડ અૉઈલના ભાવમાં વૃદ્ધિ અને વિદેશી રોકાણમાં ઘટાડાને કારણે આશંકા હતી કે, આની ખરાબ અસર જીડીપીના આંકડા પર પડશે. દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ અલ નિનોની અસર અને તેના કારણે ચોમાસા પર પડેલા પ્રભાવથી અનાજના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે એવી શક્યતાને કારણે. થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને સોનાની ખરીદી અટકાવવા તથા ઈંધણના વપરાશ પર અંકુશ મૂકવાની અપીલ કરી હતી. જોકે, એ વખતે પરિસ્થિતિ એવી હતી કે, કેટલાંક પગલાં આવશ્યક હતાં. સારી વાત એ છે કે, ડર હતો એટલો ખરાબ દેખાવ ભારતે કર્યો નથી અને ઘરઆંગણે માગની મજબૂતાઈના સંકેત સતત રહ્યા હતા. જોકે, સ્થાનિક માગ ઉપરાંત આ સમયગાળામાં ભારતની નિકાસની કામગીરી પણ દમદાર રહી. ગયા વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ આ વખતે માલ તથા સેવાઓની નિકાસમાં 11.4 ટકાનો વધારો નોંધાયો અને ગયા વર્ષના 209 બિલિયન ડૉલરની સામે આ વખતે નિકાસનો આંકડો 232.7 બિલિયન ડૉલરને આંબી ગયો છે. નવા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં બહુ સારી કામગીરીની આશા હોતી નથી, પણ એમાં પણ ભારતે અપવાદ સર્જ્યો છે. ખાસ તો કૉર્પોરેટ કામગીરી અને લોનની ડિમાન્ડ આ સમયગાળામાં ધીમી હોય છે. છેલ્લાં દસ વર્ષની સરખામણીએ આ વખતે પહેલા ક્વાર્ટરમાં લોનની માગ સારી રહી છે. વિશ્વનાં અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધવું નોંધપાત્ર ગણાય.
યુદ્ધ અટકવાના કોઈ આસાર નથી અને ટ્રમ્પના અટકચાળા પણ અટકે એમ નથી. વળી, ચોમાસું ધીમું પડયું તો એની અસર પણ આગામી સમયમાં જોવા મળશે. આથી, અત્યારની સિદ્ધિથી સંતોષ માનવાને બદલે આવનારા પડકારો વિશે ચિંતન કરવાનો આ સમય છે. જીડીપીના આંકડા દેખાડે છે કે અર્થતંત્ર કેવી અને કેટલી ગતિથી આગળ વધી રહ્યું છે. જોકે, જીડીપીના દરનો આધાર અનેક બાબતો પર હોય છે, આથી આવું જ આગળ પણ ચાલશે એવું ધારી લેવાય નહીં. અસ્થિરતાના વાતાવરણમાં તથા ક્રૂડતેલના ભાવ ગયા વર્ષના સ્તર સુધી ઉતરવાની નહીંવત શક્યતા છે. તો, આરબીઆઇએ છેલ્લી નીતિમાં વ્યાજદર યથાવત રાખ્યા હતા, આગળ જતાં તેમાં વધારો જરૂરી બને તો ખાનગી ક્ષેત્રની માગ પર અસર પડશે કે કેમ? એ મોટો પ્રશ્ન છે. અનિશ્ચિતતાઓ વચ્ચે સારી કામગીરીથી આશા જાગી છે, હવે મદાર આગળની નીતિ પર વધુ છે.