જાપાનના નાગોયામાં સંપન્ન થયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ડંકો વગાડયો છે. 21 સુવર્ણચંદ્રક સહિત 88 મેડલ સાથે ભારતે ગૌરવભર્યું ચોથું સ્થાન હાંસલ કર્યું છે. ખેલાડીઓના કૌશલથી જીતેલા ચંદ્રકોની ચમક તળે મોટો સવાલ સામે આવતો રહ્યો છે. રમતવીરોને વધુ કાબેલ બનાવવામાં સહાયભૂત થવા રમતગમત ક્ષેત્રે સરકારી ખર્ચમાં વધારો કરવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય પાકી ગયો છે. રમતવીરોએ પોતાનું સામર્થ્ય બતાવી આપ્યું. એનો પ્રતિસાદ રમતગમત સંસ્કૃતિ વિકસાવવાનો જ હોઈ શકે. હૉકી આપણી રાષ્ટ્રીય રમત છે. મેન્સ-વિમેન્સ બંને ટીમ શાનદાર રમત સાથે સુવર્ણચંદ્રક જીતે એ મોટી વાત છે. એ જ રીતે ક્રિકેટ, કબડ્ડી જેવી ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડન સફળતા મળી. નિશાનબાજી, બેડમિન્ટન, ટેબલ ટેનિસમાં કે બૉક્સિંગમાં ધાર્યો દેખાવ થયો હોત તો પૉઇન્ટ ટેબલમાં ભારતનું સ્થાન વધુ ઊંચું હોત.
એશિયન ગેમ્સમાં ભારતીય
ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવથી દેશ આખામાં અનોખો ઉત્સાહ જાગ્યો છે. આમાં કોઈ શંકા નથી
કે, છેલ્લાં થોડાં વર્ષોથી દેશમાં રમતગમત માટેની વ્યવસ્થા સુધરી રહી હોવાને લીધે ખેલાડીઓને
પહેલાંથી વધુ પ્રમાણમાં તાલીમ માટે વધુ સારાં માળખાંની ઉપલબ્ધિ કરાવાઈ રહી છે. સરકારે
રમતગમત માટેના બજેટમાં જે રીતે ફેરફાર કર્યો છે, તેનાથી માળખાકીય સુવિધાઓ સુધરી રહી
હોવાના સંકેત મળી રહ્યા છે. વર્ષ 2026માં યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય માટે
4479.88 કરોડની ફાળવણી કરાઈ છે. જે તેના આગળના વર્ષ કરતાં 3346 કરોડ જેટલી વધુ રહી
છે.
ઉલ્લેખનીય છે કે, એશિયન
ગેમ્સના આયોજનમાં ભારતે ગઈ ગેમ્સની સરખામણીએ ભલે ઓછા ચંદ્રક મેળવ્યા છે, પણ ગેમ્સમાં
ચોથું સ્થાન મેળવીને દેશભરમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. 2030માં ભારતમાં ઘરઆંગણે કૉમનવેલ્થ
ગેમ્સ રમાશે. અમદાવાદ નિશ્ચિત છે. એ પહેલાં પૂરતી તૈયારી કરવી પડશે. એક ધ્યાનાકર્ષક
વાત એ છે કે, ગ્રામીણ-શહેરી સ્તરે સરકાર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતાં નાણાં
ફાળવે છે એ ખરું, પરંતુ ઉપયોગ વિના-મેન્ટનન્સ વિના સ્પોર્ટ્સ સંકુલ ખંડેર બની જાય છે.
સરકારના ઊંચા લક્ષ્યાંકો અને ઇરાદા પાયાના સ્તર સુધી પ્રતિબિંબિત થવા જોઈએ. એ વિના
ચીન, જાપાન, કોરિયા કે યુએસ જેવી સફળતા આપણા માટે મુશ્કેલ જ રહેશે.