લોકતંત્રમાં વિરોધી પક્ષ અને વિરોધ પ્રદર્શનોનું મહત્ત્વ હોય છે, પણ સંસદના વિરોધી પક્ષ નેતા રાહુલ ગાંધીની હરકતોને કારણે આ બન્નેની મહત્તા અને ગંભીરતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ઇન્ડિ મોરચા દ્વારા મંગળવારે ચૂંટણી પંચ સામેના દેખાવોએ ઓચિંતો અણધાર્યો ટર્ન લઈ લીધો હતો. વિરોધ પક્ષના સાંસદોને ચૂંટણી પંચના મુખ્યાલય પહેલાં અટકાવી પોલીસે તેમની અટકાયત શરૂ કરી અને બસોમાં બેસાડી તેમને નવી દિલ્હીનાં વિવિધ પોલીસ સ્ટેશન લઈ જવાનું શરૂ કર્યું અને વિરોધ દર્શનનાં વાજાં વીંટાવા લાગ્યા ત્યારે રાહુલ ગાંધીએ આકાશવાણી ભવન બહારની એક બસમાં બેઠેલી બહેન પ્રિયંકાને ઈશારો કર્યો અને બન્ને ભાઈ-બહેન આકાશવાણી ભવનના પરિસરમાં પ્રવેશ્યાં. ભાઈ-બહેનની જોડીનો ઇરાદો તો આકાશવાણી ભવનના પાછલા દરવાજેથી બહાર નીકળી ચૂંટણી પંચના મુખ્યાલયમાં પ્રવેશવાનો હતો, કેમ કે અન્ય રસ્તાઓ પોલીસે રૅલી માટે બ્લૉક કરી રાખ્યા હતા. આકાશવાણી ભવનમાં આ બન્ને પ્રવેશ્યાં ત્યાં જ પોલીસે પાછલો દરવાજો બંધ કરી નાખતાં ભાઈ-બહેન ત્યાં જ બેસી પડયાં હતાં. પહેલેથી આવું કંઈ નક્કી નહોતું અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ટીએમસીના અભિષેક બેનરજી અને ડેરેક ઓબ્રાયનની અટકાયત અને પોલીસે રૅલીને રોકી પાડયા પછી રાહુલે આ તમાશો શરૂ કર્યો હતો. આ પહેલાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નીટ પેપર લીક વિરોધી પ્રદર્શનો વખતે પણ રાહુલ ગાંધીએ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે આવી જ નૌટંકી કરી હતી. રાહુલ ગાંધી આકાશવાણી ભવન પરિસરમાં પ્રવેશ્યા એ બાબતથી કૉંગ્રેસના નેતાઓ પણ અજાણ હતા અને જે થયું એ જોઈ તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. સર્વોચ્ચ અદાલતે સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનરને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાની ના પાડવા સાથે કહ્યું હતું કે, તેમની સામેના આક્ષેપો માત્ર અખબારી અહેવાલ છે. જોકે, ફૉર્મ નં 6માં કરાયેલા ફેરફારો અદાલતે નથી કર્યા એ સ્પષ્ટતા કરવા સાથે આ બાબતમાં ચૂંટણી કમિશનર અને સરકારને નોટિસ ફટકારી હતી. જોકે, રાહુલ-પ્રિયંકાના તમાશાને કારણે સર્વોચ્ચ અદાલતે કરેલી મહત્ત્વની ટિપ્પણીઓ પરથી ધ્યાન હટીને આકાશવાણી ભવન પર કેન્દ્રિત થયું હતું. ભાજપે રાહુલ ગાંધી તથા ઇન્ડિ બ્લૉકની રૅલીને દેશમાં અરાજકતા સર્જવાનો વધુ એક પ્રયાસ ગણાવવા સાથે સવાલ કર્યો છે કે, કૉંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે મૃત્યુ પામેલા લાખો લોકોનાં નામ મતદારયાદીમાંથી દૂર કરવા સામે તેમનો વિરોધ છે કે પછી એકથી વધુ વાર નામની છંટણી કરાઈ એની સામે.
રાહુલ ગાંધીને ગમે તે
ભોગે કેન્દ્ર સરકારને પાડવી છે અને એના માટે તેઓ વારંવાર એવા પ્રયાસો કરી રહ્યા છે,
જેનાથી દેશમાં અરાજકતા ફેલાય અને લોકતંત્ર જોખમમાં મુકાય. સમયાંતરે દેશની સેના, ઈવીએમ
તથા સર્વોચ્ચ અદાલત વિરુદ્ધ મોરચો માંડતા રાહુલ ગાંધીએ આ વખતે મુખ્ય ચૂંટણી કમિશનર
જ્ઞાનેશકુમાર સામે હુમલો શરૂ કર્યો છે. વિરોધ પ્રદર્શન આટોપાઈ ગયા બાદ રાહુલબાબા અને
પ્રિયંકાએ આકાશવાણી ભવનના પાછલા દરવાજેથી ચૂંટણી પંચના મુખ્યાલયમાં પ્રવેશવાની યોજના
ઘડી, પણ પોલીસની સમયસૂચકતાને કારણે તેઓ ફાવ્યા નહીં. પછી, પ્રિયંકાએ પોલીસ અધિકારીઓ
સાથે દરવાજો ખોલાવવા માટે વાટાઘાટો કરી, પણ એમાંય સફળતા મળી નહીં. બપોર થતાં સુધીમાં
તો પોટેટો ચિપ્સ, ભુજિયા અને ચૉકલેટ્સનાં પૅકેટ તથા પાણી અને ઠંડાંપીણાંની બૉટલો આકાશવાણી
ભવનની અંદર બેઠેલા નેતાઓ માટે મોકલવામાં આવ્યાં. નજીકના પટેલ ચોક પરથી ડાયટ કૉક પણ
મગાવવામાં આવી. કૉંગ્રેસી નેતાઓ પછી આ કચરો દૂર કરતા પણ નજરે ચડયા હતા. રાહુલ ગાંધી
બૂમો પાડયા કરે છે કે, ભાજપ શું કહે છે એની મને પરવા નથી, હું અહીં લોકતંત્રને બચાવવા
માટે ઊભો છું. રાહુલ ગાંધી આવી બધી હરકતોથી લોકતંત્રને બચાવી શકશે?