દિલ્હીથી શરૂ થયેલો અને દેશભરમાં વ્યાપી ગયેલો મતદારયાદી સઘન સુધારણાનો વિવાદ કોઈ નિર્ણાયક તબક્કે પહોંચ્યો નથી અને શમી પણ ગયો નથી. મંગળવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ બે ચૂંટણી કમિશનરોએ કરેલા સોગંદનામા પછી એવું લાગી રહ્યું છે કે, ચૂંટણી પંચ હવે આ સમગ્ર પ્રકરણના વિવાદ પર પૂર્ણવિરામ મૂકી રહ્યું છે, કેમ કે મૂળ વાત જ એ હતી કે બે ચૂંટણી કમિશનરોએ કહ્યું હતું કે, અમે તેર વખત મુખ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ કેટલાક નિર્ણયો અમારી જાણબહાર રહ્યા છે. હવે જ્યારે આજ અધિકારીઓ સર્વોચ્ચ અદાલત સમક્ષ એમ કહે છે કે, બધું સંમતિથી થયું છે ત્યારે વિવાદને સ્થાન નથી.
ચૂંટણી પ્રક્રિયા તથા મતદારયાદીના નિર્ણયોની પારદર્શકતા સંશયોમાં ઘેરાઈ છે, આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે ત્યારે જ આ સોગંદનામું આવ્યું છે તેનો અર્થ એ છે કે, સંસ્થામાં મતભેદ હોવાનો કે, એક જ વ્યક્તિએ નિર્ણય લીધો હોવાનો વિપક્ષોનો આક્ષેપ તથ્યહિન છે. જે લોકો એવું માને છે કે, એસઆઇઆર સંદર્ભે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે થયેલો આક્ષેપ પાયા વગરનો છે. તેઓ સતત કહે છે કે, આખો વિવાદ માત્ર એક અખબારી અહેવાલ ઉપરથી ઊભો થયો હતો. સીજેપી, ઇન્ડિયા સંગઠન સહિતના પક્ષોએ મુદ્દો ઉછાળ્યો, પરંતુ તેમની પાસે પુરાવા નથી.
કુલ 13 કરોડ મતદારોનાં નામ રદ થયાં છે, બંગાળની ચૂંટણીનાં પરિણામ ભાજપ તરફી આવ્યાં તેમાં એસઆઇઆરની ભૂમિકા છે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. તેની વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર અંગે થયેલા આક્ષેપોએ વાતાવરણ ગરમ કરી દીધું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણી સાથે સીજેપી સહિતના પક્ષો યુવા કાર્યકર્તાઓ દિલ્હીમાં ધસી ગયા હતા. હજુ પણ રાહુલ ગાંધી, નેહા બોરા અને અન્ય કાર્યકર્તાઓ તો જ્ઞાનેશકુમારની વિરુદ્ધ આંદોલન ચલાવી જ રહ્યા છે. 30મી તારીખે રાહુલ ગાંધી મોટી રૅલી પણ યોજવાના છે. ચૂંટણી કમિશનરોના સોગંદનામાથી આંદોલનકારીઓને કોઈ ફેર નહીં પડે, વિરોધને રોકવા માટે આ સોગંદનામું જાદુઈ છડી સાબિત નહીં થાય. વિપક્ષો તો તેને સંસ્થાકીય બચાવ તરીકે જ રજૂ કરશે.
એસઆઇઆર સંદર્ભના આક્ષેપ ચાલુ જ રહેશે પરંતુ ચૂંટણી પંચે જ્યારે સર્વોચ્ચ અદાલત સમક્ષ સોગંદનામું કરી નાખ્યું છે ત્યારે કાનૂની રીતે પંચનું પલ્લું મજબૂત થાય અને આંદોલન કરનારા પક્ષો ઉપર કાનૂની દબાણ વધે તેવી શક્યતા છે. અદાલતમાં પિટિશનનો અંત આવી શકે, કારણ કે સત્તાવાર દસ્તાવેજ સામે મૌખિક આક્ષેપ ટકે નહીં પરંતુ રાજકીય અને સામાજિક રીતે આ વિરોધ ચાલુ રહેશે. અગાઉ ચૂંટણી કમિશનરનું ઉત્તરદાયિત્વ હતું કે, તેઓ પ્રક્રિયાને સ્વચ્છ સાબિત કરે. સોગંદનામાએ તે કામ શરૂ કર્યું છે. હવે આક્ષેપ કરનારાઓની જવાબદારી છે કે તેઓ આક્ષેપ પુરવાર કરે.