મુખ્ય ચૂંટણી કમિશનર મુદ્દે મોરચો ખોલનાર વિરોધ પક્ષ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિદેશી મદદનાં બળે સત્તામાં ટકી રહેવાનો આક્ષેપ મૂક્યો છે. રાજનીતિમાં `િવદેશી' હાથ બહુ લાંબા સમયથી રહસ્યમય રહ્યો છે. આવો જ પડઘો અમેરિકા, બ્રિટન કે ઇઝરાયલ જેવાં રાષ્ટ્રોની ચૂંટણીમાંય સાંભળવા મળે છે.
ઇઝરાયલમાં
હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ બહુમતીથી દૂર રહી ગયા છે અને સત્તા ટકાવવા ગઠબંધન સાંધવાની વેતરણમાં છે. ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી તેમાં વિદેશી દખલગીરીના આરોપો ઊઠયા છે અને તેની તલસ્પર્શી તપાસ ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ કરવાની છે. તેલ અવીવની ન્યૂઝ ચૅનલના અહેવાલ મુજબ ચૂંટણીની તપાસમાં આંતરિક સુરક્ષા એજન્સી શિનબેટ પણ સામેલ થશે. આક્ષેપો એવા છે કે, સેનેટ ચૂંટણીમાં કતાર તથા અન્ય દેશોએ આરબ મતદારોને નાણાં આપીને વધુમાં વધુ મતદાન માટે પ્રેરિત કર્યા છે. આ ચૂંટણીમાં આરબ પાર્ટીઓએ ઇતિહાસમાં શ્રેષ્ઠત્તમ દેખાવ કરતા 19 બેઠક જીતી લીધી છે.
નેતન્યાહુ
અને તેમના પક્ષના નેતાઓએ આરબ પાર્ટીઓ પર ચૂંટણીમાં ઘાલમેલ કરવાનો આક્ષેપ મૂક્યો છે. જોકે, ઇઝરાયલના કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટ કહી દીધું છે કે, તપાસનું વર્તુળ સીમિત છે. પંચના માનવા પ્રમાણે આ મામલાથી ચૂંટણીનાં પરિણામો પર કોઈ અસર નથી પડી. નોંધનીય છે કે, ઇઝરાયલની ચૂંટણીમાં ત્રિશંકુ પરિણામ આવ્યાં પછીએ બેન્જામીન નેતન્યાહુ સત્તા છોડવા તૈયાર નથી. પદ પર ટકી રહેવા નીતનવા હથિયાર અજમાવવા પ્રયત્નશીલ છે, તો તેમનો વિરોધી મોરચો સરકાર રચવાનો રસ્તો કાઢવા વડા પ્રધાનપદની સીધી ચૂંટણી યોજવા વિચારણા કરી રહ્યો છે. એ વ્યવસ્થા ગોઠવાય તો દેશની જનતા અલગથી વડા પ્રધાનની ચૂંટણી કરશે અને આરબ પક્ષોના સમર્થન વિના સરકાર રચવાનો માર્ગ ખૂલી શકશે. `ધ ટાઇમ્સ અૉફ ઇઝરાયલ'ના અહેવાલ મુજબ વિપક્ષી જોડાણ આ પ્રસ્તાવ લાગુ કરવા માટે કાયદો લાવવા વિચારણા કરી રહ્યું છે.
ઇઝરાયલમાં
મતગણતરી પૂરી થયા બાદ આરબ જોઇન્ટ લિસ્ટ યુતિને 11 બેઠક મળી છે. ઇઝરાયલમાં આરબ વસ્તીના અધિકારો માટે અવાજ ઉઠાવનાર આ સંગઠનમાં ત્રણ જુદા-જુદા પક્ષ સામેલ છે, તેમાં આરબ ઉપરાંત યહૂદી નેતાઓ પણ છે. વડા પ્રધાન નેતન્યાહુના સહયોગ પક્ષ યુનાઇટેડ તોરાદ જુરાઇઝમે વિપક્ષી નેતા ગેદી આઈઝેનકોટને વડા પ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હજુ મામલો ગૂંચવાયેલો છે. ઇઝરાયલના 120 સભ્યની સંસદમાં સરકાર રચવા 61 બેઠકના જાદુઈ આંકડાથી નેતન્યાહુની પાર્ટી (53 બેઠક) આઠ અંક દૂર છે. ગેદી આઇઝેનકોટના વિપક્ષી જોડાણ પાસે 48 બેઠક છે. આરબ પક્ષોએ સંયુક્ત રીતે 19 બેઠક મેળવી છે. આમ, ત્રિશંકુ સ્થિતિમાં વચલો રસ્તો કાઢવા પ્રયત્ન થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ઇઝહાક હર્જોગે રાજકીય પક્ષો સાથે વિચારવિમર્શ શરૂ કર્યો છે. જો કોઈ પક્ષ 61ની સભ્ય સંખ્યાએ નહીં પહોંચી શકે તો થોડા મહિનામાં ફરીથી ચૂંટણી યોજાશે અને ત્યાં સુધી નેતન્યાહુ કાર્યવાહક વડા પ્રધાન તરીકે ચાલુ રહેશે.