અમેરિકન શૅરબજારમાં હાહાકાર છે ત્યાં ભારતીય માર્કેટનું ચિત્ર ફુલગુલાબી છે. દિવાળીની પૂર્વસંધ્યાએ સાત સત્રોમાં સેન્સેક્સ 10.6 ટકા ઉપર રહ્યો આ દીપોત્સવ અને રોકાણકારો માટે સાડા ત્રણ દાયકામાં સૌથી રંગીન-તેજસ્વી અને ધમાકેદાર સાબિત થયો. સોનાના ભાવમાં ઘટાડો થતાં ધનતેરસે દેશવ્યાપી સ્તરે રૂા. 60,000 કરોડથી વધુનું સોનું-ચાંદીનું વેચાણ થયું. સેન્સેક્સ 81,028 પૉઈન્ટના સ્તર સુધી પહોંચ્યો, જે 27મી ફેબ્રુઆરી પછી સૌથી ઉચ્ચતમ સ્તર હતું. તો, ડૉલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે અને બાવીસમી એપ્રિલ પછી પહેલીવાર 94 પર બંધ રહ્યો. વિદેશી રોકાણકારોએ ફરી ભારતીય બજારો પર વિશ્વાસ મૂક્યો છે અને અત્યાર સુધીમાં 4.1 બિલિયન ડૉલર જેવું રોકાણ ભારતીય ઈક્વિટી માર્કેટમાં કર્યું છે, વેચવાલીનું માનસ ધરાવતા આ રોકાણકારોએ હજી જાન્યુઆરી-અૉક્ટોબર વચ્ચે 18.9 બિલિયન અને એ પહેલાં 2025માં 18.9 બિલિયન ડૉલરની ઈક્વિટી વેચી પારોઠનાં પગલાં ભર્યાં હતાં. અચ્છે દિન, સોનાનો સૂરજ અને દિવાળીનો ઉલ્લાસ-ઝગમગાટ એકસાથે આવ્યા જેવું થયું. પહેલી નજરે આ તેજી ત્રીજી નવેમ્બરે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પના પરાજયને પગલે સર્જાયેલી અફરાતફરીનું પરિણામ લાગે, પણ છેલ્લા એકાદ મહિનાથી સર્જાયેલી સકારાત્મકતામાં બજારના સેન્ટિમેન્ટ અને ઉત્સવી માહોલનો ત્રિવેણી સંગમ થયો છે.
અર્થતંત્રમાં દરેક બાબત એકમેક સાથે સંકળાયેલી હોય છે. રૂપિયો દબાણ હેઠળ હતો, કેમ કે બ્રેન્ટ ક્રૂડ અૉઈલના ભાવ સ્થિર નહોતા, હજી ગયા અઠવાડિયે જ બૅરલદીઠ 118 ડૉલર પર પહોંચેલું ક્રૂડ અત્યારે 100ની નીચે છે. હા, યુએસ મિડટર્મ ચૂંટણીઓમાં ડેમોક્રેટ્સના જોરદાર વિજયને પગલે ઈરાન મોરચે ટ્રમ્પ કૂણા પડશે એવી લાગણીને કારણે આ ઘટાડો નોંધાયો છે. અમેરિકન શૅરબજારમાં હાહાકારનું કારણ પણ આ ચૂંટણી પરિણામો છે અને બજારોમાં તેજીના આખલાને તોખાર જેવો રાખવા માટે જવાબદાર એઆઈ ડેટા સેન્ટર પર હવે તવાઈ આવવાના ભયે આ ક્ષેત્રના શૅર ગગડયા. એકાએક તાઈવાનના સેમિકન્ડક્ટર અને દક્ષિણ કોરિયાની મૅમરી ચિપ કંપનીઓના સ્ટોક્સ પણ લપસ્યા. કૃત્રિમ બુદ્ધિમત્તાના અંતનો આ આરંભ છે, એવું માની લેવું વધુ પડતું ગણાશે. એઆઈ વિશે નકારાત્મકતા છતાં ચાર વર્ષમાં પહેલીવાર રોકાણકારોને આ ચળકતું ક્ષેત્ર સોનું નથી લાગી રહ્યું. અમેરિકાની માર્કેટમાંથી નીકળી રોકાણકારો ભારતીય બજારમાં ઊતર્યા છે, એનું એક કારણ એ કે એઆઈ હજી આપણે ત્યાં મોટું પરિબળ નથી. સાથે જ ક્રૂડના ભાવ નીચે ઊતરતા રૂપિયો સદ્ધર થયો એ પણ એક આકર્ષણ હોઈ શકે.
માહોલ ફુલગુલાબી હોવા છતાં સેન્ટિમેન્ટથી સંચાલિત છે, આવામાં સૌએ સંભાળીને આગળ વધવાનું છે. અલ નિનો પરિબળની લટકતી તલવાર અને ટ્રમ્પ ક્યારે શું કરે એની અનિશ્ચિતતા વચ્ચે ડેટા સેન્ટર બાબતે અમેરિકાના વળગણમાંથી પણ બોધ લેવા રહ્યો.