• શનિવાર, 27 એપ્રિલ, 2024

તળાવોમાં પૂરતું પાણી હોવાથી મુંબઈગરાને પાણીકાપ વેઠવો નહીં પડે  

નાગરિકોને પાણી કરકસરથી વાપરવાની અપીલ

મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : મુંબઈગરાને પાણી પૂરું પાડતાં તળાવોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી પાણીકાપ લાદવાનો વિચાર નથી એમ મુંબઈ પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે. મુંબઈ મહાપાલિકા તરફથી બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગત જૂનથી સપ્ટેમ્બર 2023 સુધીના ગાળામાં વરસાદ ઓછો પડયો હતો. તેથી તળાવોમાં પાણીનો જથ્થો પણ ઓછો છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી મુંબઈગરા માટે પાણીના અનામત જથ્થામાંથી વધારાનું પાણી આપવામાં આવી રહ્યું છે. તેથી મુંબઈને અપાતા પાણી પુરવઠામાં કાપ મૂકવાની કોઈ દરખાસ્ત નથી. 

મુંબઈગરા માટે પાણીની ઉપલબ્ધતા વિશે ચર્ચા કરવા મંગળવારે સીએસએમટી પાસે આવેલા મુખ્યાલયમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાં પાણીના જથ્થા ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. તેથી નાગરિકોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવે છે, એમ મુંબઈ પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે.