• શનિવાર, 27 એપ્રિલ, 2024

રેન્ટ ઍક્ટ અને ભાડૂતોને 100 માસનાં ભાડાંમાં માલિક બનાવવાના કેસની એપ્રિલમાં સુનાવણી  

રેન્ટ કન્ટ્રોલ ઍક્ટ યથાવત્ રાખવાની નાર્વેકરની ખાતરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : રેન્ટ ઍક્ટ અને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે સર્વોચ્ચ અદાલતની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ આવતા એપ્રિલ માસની મધ્યમાં યોજાનારી સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકાર સક્રિયતા દેખાડે નહીં તો ભાડૂતોને મળતું રક્ષણ છીનવાઈ જવાનું જોખમ છે. બાબત અંગે ગઈકાલે યોજાયેલી સભામાં ભાડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. મુદ્દે દરમિયાનગીરી કરવામાં સરકારની નિષ્ફળતા સાથે મહારાષ્ટ્ર કંટ્રોલ ઍક્ટને રદ કરવાનો ભય વધ્યો છે જે સંભવિત રીતે મકાનમાલિકોને બજાર ભાવે ભાડું વસૂલવાની અથવા પાઘડી ભાડૂતોને હાંકી કાઢવાની મંજૂરી આપી શકે છે. 

રાજ્ય સરકારની કાર્યવાહી કરવાની કથિત અનિચ્છા અને રાજ્યવ્યાપી પાઘડી ભાડૂતો માટે તેના સંભવિત પરિણામોની ચિંતાઓને દૂર કરવા પાઘડી ટેનન્ટ્સ ઍક્શન કમિટી (પીટીએસી) દ્વારા મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર અને કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમની મુખ્ય ચિંતા સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ મુકદમા વિશેની હતી જેમાં રાજ્ય સરકાર પક્ષકાર છે. નાર્વેકરે કહ્યું હતું કે સરકાર મુકદમાનો બચાવ કરવા અને રેન્ટ કંટ્રોલ ઍક્ટને યથાવત્ રાખવાની ખાતરી આપે છે. ભાડૂતો દ્વારા પ્રવર્તમાન માર્કેટ રેટ પર કરવામાં આવતી પાઘડી ચુકવણીના સંદર્ભેને અવગણીને, મકાનમાલિકો મહારાષ્ટ્ર રેન્ટ કંટ્રોલ ઍક્ટ હેઠળ ભાડાંના નિયમનમાં રાજ્ય સરકારની સત્તા સામે લડવા મિલકતના તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે 1986ના મ્હાડા કાયદાને પણ પડકાર્યો છે જે 100 મહિનાનાં ભાડાંની સમકક્ષ એક સામટી રકમ સાથે મકાનમાલિકોને વળતર આપીને 1940 પહેલાની ઈમારતોના સંપાદનની પરવાનગી આપે છે. મુંબઈમાં દક્ષિણ મુંબઈમાં વિશેષરૂપે પાઘડી સિસ્ટમની હજારો ઈમારતો છે જેમાં રહેતા ભાડૂતોની સમસ્યા અને ચિંતા વધી છે. 

મામલાની તાકીદ હોવા છતાં સરકારે હજુ સુધી કેસમાં તેની રજૂઆતો દાખલ નથી કરી જેની અંતિમ તારીખ ચોથી ડિસેમ્બર, 2023 હતી. 20મી અૉક્ટોબર, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે નવ ન્યાયાધીશોની બેન્ચની રચના કરવાનો નિર્ણય લીધો ત્યારથી પ્રયાસો ચાલે છે. પીટીએસીનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઍડ્વોકેટ પ્રેરક ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય મુખ્ય પ્રતિવાદી હોવાથી અમે તેને સુપ્રીમ કોર્ટને પગલાં લેવા વિનંતી કરી છે. ભાડાં નિયંત્રણના કાયદાથી 30 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. જેમાંથી મોટા ભાગના લોકોએ પાઘડી ચૂકવી છે. બૉમ્બે રેન્ટ કંટ્રોલ ઍક્ટ, 1947 હેઠળ મિલકતો રોકડમાં વેચવામાં આવી હતી. જમીન માલિકોને એકસાથે રકમ મળી છે અને રિસેલ્સ દ્વારા મિલકતની કિંમતનો 30થી 40 ટકા હિસ્સો પણ મળ્યો હતો. 

મુંબઈમાં જગ્યાના ભાવ વધતાં પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશન 1992માં કોર્ટમાં ગયું. વર્ષ 1999માં મહારાષ્ટ્ર રેન્ટ કંટ્રોલ ઍક્ટ ઘડવામાં આવ્યો જેમાં પાઘડી સિસ્ટમને યોગ્ય માન્યતા આપવામાં આવી. ત્યારથી કાનૂની લડાઈ શરૂ થઈ. મહારાષ્ટ્ર સરકાર ઍક્ટનો બચાવ કરવા સબમિશન દાખલ કરવામાં નિષ્ફળ જતાં પાઘડી ભાડૂતોની ચિંતા વધી છે.