• શનિવાર, 27 એપ્રિલ, 2024

ઉદ્ધવ ઠાકરે જૂથે જાહેર કરી 17 ઉમેદવારોની યાદી  

ભૂતપૂર્વ પ્રધાનો અનંત ગીતે અને સાવંતનાં નામો

મુંબઈ, તા. 27 : શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા બુધવારે આગામી લોકસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનંત ગીતે અને અરવિંદ સાવંતનાં નામો છે. જે અનુક્રમે રાયગઢ અને દક્ષિણ મુંબઈની બેઠક પરથી લડશે. 2022માં શિવસેનામાં પડેલા ભંગાણ બાદ જે પાંચ સંસદસભ્યો ઉદ્ધવ જૂથ સાથે જોડાયેલા હતા. તમામને ટિકિટ આપવામાં આવી છે. વાયવ્ય મુંબઈની બેઠક પરથી અમોલ કીર્તિકરને ટિકિટ આપવામાં આવી છે. જ્યાંથી અગાઉ એમના પિતા ગજાનન કીર્તિકર સંસદસભ્ય હતા. ખીચડી કૌભાંડમાં અમોલનું નામ બહાર આવ્યું હોવાથી એને લઈને 

વિવાદ થયો છે. ઇડીએ ખીચડી કૌભાંડમાં અમોલને નોટિસ પણ મોકલાવી છે. યવતમાલ બેઠક પરથી સંજય દેશમુખ, બુલઢાણા પરથી નરેન્દ્ર ખેડેકર, માવળ બેઠક પરથી સંજોગ વાઘેરે-પાટીલ, સાંગલીમાં ચંદ્રહાર પાટીલ, હિંગોલીમાં નાગેશ પાટીલ આષ્ટીકર, સંભાજી નગરમાં ચંદ્રકાંત ખેરેને ટિકિટ આપવામાં આવી છે. 

પક્ષે ધારશીવ બેઠક પરથી ઓમરાજે નિંબાળકર, શિર્ડીમાં ભાઉસાહેબ વાઘચૌરે, નાસિકમાં રાજાભાઉ વાજે, સિંધુદુર્ગ-રત્નાગિરિમાં વિનાયક રાઉત, થાણેમાં રાજન વિચારે, મુંબઈ (ઇશાન)માં સંજય દિના પાટીલ અને મુંબઈ દક્ષિણ-મધ્યમાં રાજય સભાના સંસદસભ્ય અનિલ દેસાઇને તો પરભણીમાં સંજય જાધવને ટિકિટ આપી છે. 

અમોલ કીર્તિકરને ઈડીનું સમન્સ

શિવસેના (ઠાકરે) તરફથી વાયવ્ય મુંબઈની બેઠક માટે ઉમેદવારી મેળવવામાં સફળ થયેલા અમોલ કીર્તિકર આજે ઈડી તરફથી સમન્સ મોકલાયું છે. મુંબઈ પાલિકા દ્વારા કોરોનાકાળમાં ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, પ્રકરણમાં રૂા. 132 કરોડનું કૌભાંડ થયું હોવાનો અંદાજ છે.