• શનિવાર, 27 એપ્રિલ, 2024

ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી દરેક ચીજવસ્તુના ભાવ નક્કી કરાયા   

20ની ચા, 25ની કૉફી અને 25 રૂપિયામાં વડાપાંઉ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : લોકસભા ચૂંટણી પ્રચારના ખર્ચ પર ચૂંટણી પંચની નજર રહેશે. જો કોઈ ઉમેદવાર પોતાના કાર્યકર્તાઓ પાછળ ચા-પાણી નાસ્તાનો પ્રબંધ કરે છે તો એનો હિસાબ પંચે નક્કી કરેલા દર પ્રમાણે ચૂંટણી પંચને આપવો પડશે. પંચ દ્વારા ચાના વીસ રૂપિયા, કોફી અને વડા પાંઉના પચીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પંચે ઝંડાથી લઈને ખુરશીના દર પણ જાહેર કર્યા છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર નિયમોના દાયરામાં ચૂંટણી યોજાશે. રાજકીય પક્ષ તરફથી ઉમેદવારોના નામની ઘોષણા થયા પછી ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર થતો હોય છે. રૅલી, મંડપો, લાઉડ સ્પીકર, ઢોલ વગેરેના ઉપયોગને ધ્યાનમાં લઈ પંચે દર નક્કી કર્યા છે. 

રથયાત્રાના દરો

બે કલાકની રથયાત્રા માટે 15,500 રૂપિયા અને ત્રણ કલાકની રથયાત્રા માટે બાવીસ હજાર રૂપિયા ખર્ચી શકાશે. મહાનગરમાં બે કલાક માટે દસ ઢોલ અને એક તાશાના યુનિટ માટે 18,500 ભાડું નક્કી થયું છે. બે કલાક માટે પચીસ ઢોલ અને તાશાના 32 હજાર રૂપિયા તેમ 50 ઢોલ અને તાશા માટે પંચાવન હજારનો ખર્ચ કરી શકાશે. ઝંડાનો ખર્ચ કદના આધારે નક્કી થયો છે. કાપડના નાની સાઈઝના ઝંડા માટે રૂા. સાત, સિલ્ક ઝંડા માટે રૂા. 40, જંબો ઝંડા માટે રૂા. 70 અને બિગ જંબો સાઇઝ માટે રૂા. 260 જાહેર કર્યા છે. સાધારણ ટોપી માટે રૂા. 10, કોટનના મફલર માટે રૂા. 10, સિલ્ક મફલર માટે રૂા. 15 અને પેપર માસ્ક માટે રૂા. ત્રણ નક્કી થયા છે. 

ખુરશી ટેબલના દર

ચૂંટણી પ્રચારમાં વપરાતી ખુરશીનો દર રૂા. 20, ટેબલ અને ઝાલરના રૂા. પચાસ, સોફાના રૂા. 250, હેલોજન રૂા. 75, ટયુબ લાઇટના રૂા. 20, પોર્ટેબલ લાઉડ સ્પીકર માટે રૂા. 4500 (બે માઇક, બે સ્પીકર અને એક એમ્પ્લિફાયર સહિત), ખુલ્લી જગ્યામાં મિટિંગમાં લાઇટ સ્ટેજ અને ટેન્ટ ઊભા કરવા માટે પ્રતિ ચો.ફી. પચાસ રૂપિયા નક્કી કરાયા છે. કલર કટઆઉટના રૂા. 180, કાપડના બેનર માટે રૂા. 10 અને ફ્લેક્સ બેનરના રૂા. 18 નક્કી થયા છે. 

ખાણીપીણીની વસ્તુના દર 

ચૂંટણી પંચ દ્વારા ચાના વીસ રૂપિયા, કોફી અને વડા પાંઉના પચીસ રૂપિયા, નાસ્તના અને કોલ્ડ ડ્રિંક્સના રૂા. ત્રીસ, વેજ લંચના રૂા. 100 અને નોન વેજ લંચના રૂા. 200 નક્કી કરવામાં આવ્યા છે. દરેક ઉમેદવારે પોતાની ડાયરીમાં હિસાબ રાખવો પડશે અને ચૂંટણી પંચને સુપરત કરવો પડશે. કોઈપણ ઉમેદવાર ચૂંટણી પંચે જાહેર કરેલા દરથી વધુનો ખર્ચ કરી શકશે નહીં.