• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

શિવસેના-ભાજપ આગામી ચૂંટણીઓ એકત્ર લડશે : શિંદે  

રવિવારે અમિત શાહ સાથે બેઠક દરમિયાન લેવાયો નિર્ણય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની રવિવારે રાત્રે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાને તેમના ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલું માર્ગદર્શન લાભદાયી સાબિત થયું છે. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સાથે થયેલી બેઠક દરમિયાન આગામી ચૂંટણી (લોકસભા, રાજ્યસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી) શિવસેના અને ભાજપે એકસાથે લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના વિકાસ માટે અમે છેલ્લા 11 મહિનામાં વિકાસ સંબંધિત વિવિધ નિર્ણયો લઈને તેના પર અમલ કર્યો છે. ઘણા સમયથી રખડેલા પ્રોજેક્ટને ફરીથી શરૂ કર્યા છે. આગામી દિવસોમાં તમામ ક્ષેત્રમાં મહારાષ્ટ્રને દેશમાં પહેલું રાજ્ય બનાવવા માટે અમે એકત્ર થઈને ચૂંટણી લડીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે શિંદે પુણેમાં કાર્યક્રમ પૂરો કરીને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે રવિવારે દિલ્હી રવાના થયા હતા.