આગામી ચોમાસાના શુભ સમાચાર અને ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા તીવ્ર ઘટાડાથી જનતા સાથે મોદી સરકારને પણ મોટી રાહત મળી છે. ટ્રમ્પનો ટેરિફ વધારો ત્રણ મહિના મુલતવી રખાયો હોવાથી આર્થિક મોરચે નિરાંત અને વિકાસ યોજનાઓ અવરોધ-બ્રેક વિના ચાલુ રહેશે.
આપણા હવામાન ખાતાની આગાહી મુજબ આ વર્ષે
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્યથી વધુ
વરસાદ થશે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં વ્યાપક સારો વરસાદ થવાની ગણતરી છે પણ બિહાર
અને તામિલનાડુમાં ખાધ પડશે એવું અનુમાન છે. આગામી મે મહિનાની આખર સુધીમાં વરસાદની વિગતવાર
આગાહી જાણવા મળશે. ગયા વર્ષે પણ વરસાદ સામાન્યથી વધુ થયો હતો જ્યારે છેલ્લાં ચાર વર્ષોમાં
સામાન્યથી ઓછો થયો હતો.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, દેશભરમાં
જૂનથી - સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધુ 105 ટકા વરસાદ પડશે. આનો અર્થ એ
કે 87 સેન્ટિમીટરની લાંબા ગાળાની સરેરાશના (લૉન્ગ પિરિયડ એવરેજ - એલપીએ) 105 ટકા જેટલો
વધુ રહેશે, જેમાં પાંચેક ટકાના વધારા કે ઘટાડાની શક્યતા રહે છે. આ આગાહી મહત્ત્વની
એ કારણસર પણ છે, કેમ કે ભારતનો 75 ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં પડે છે.
સારા-શ્રીકાર વરસાદની આગાહી કૃષિ ક્ષેત્ર
માટે શ્રેષ્ઠ સમયનો વિશ્વાસ જગાવે છે, કેમ કે દેશના જીડીપીમાં કૃષિનો ફાળો 18.2 ટકા
જેટલો છે અને દેશની વસ્તીના 42.3 ટકા લોકો રોજગાર માટે તેના પર આધાર રાખે છે. વળી,
કૃષિ જમીનના બાવન ટકા વરસાદ પર આધાર રાખે છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર ઘટાડો થયો
છે તેથી જીવન ઉપયોગી અન્ય માલસામાનની આવશ્યક ચીજવસ્તુની માગ વધશે. ગ્રામ્ય વિસ્તારોમાં
અત્યાર સુધી માગ મર્યાદિત હોવાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો નથી. હવે કૃષિ ઉત્પાદન
વધતાં ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળશે. ગ્રામ્ય અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો થવાની આશા
છે. સતત બીજા વર્ષે ચોમાસુ સારું હોવાથી અનાજ ઉત્પાદનમાં વધારો થશે. દેશમાં 60 ટકા
અનાજ ઉત્પાદન કરતા વિસ્તારોમાં સારા વરસાદનો લાભ મળશે. વર્ષ 2024-25 જુલાઈથી જૂનમાં
34.1 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું. ઉત્પાદન વધતાં છૂટક રીટેલ ફુગાવો ઘટે છે તેથી
મધ્યમ-ગરીબ વર્ગને વધુ રાહત મળશે.