• રવિવાર, 01 જૂન, 2025

મેઘરાજાનું વહેલું આગમન

આ વર્ષે મેઘરાજાની વહેલી પધરામણીથી આપણે ખુશ છીએ. મોસમના પ્રથમ વરસાદે ઘણા વિસ્તારોમાં અનાજ અને ફળફળાદીના પાકને નુકસાન થયું છે - છતાં અસહ્ય ગરમીમાં રાહત થઈ છે. મુંબઈ જેવાં મહાનગરોમાં ખાડા પુરાયા ન હોય - પાણી ભરાયાં હોવા છતાં રોજિંદા જનજીવન ઉપર કોઈ વિપરીત અસર પડી નથી. વાહન વહેવાર અને જનજીવન યથાવત્ ચાલ્યા કરે છે!

સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં મેઘરાજાનું આગમન થાય અને પછી દેશના વિવિધ વિસ્તારોમાં આગળ વધે છે. આ વર્ષે આઠ દિવસ પહેલું - 24મી મેના રોજ કેરળમાં આગમન થયું તે પછી ચોમાસું શ્રીકાર જવાની આગાહીએ આશાને વધુ દૃઢ બનાવી છે. ચોમાસું આ પહેલી વખત વહેલું શરૂ થયું નથી. હવામાન ખાતાના રેકોર્ડ મુજબ વર્ષ 1971થી શરૂ થયેલા છેલ્લાં પંચાવન વર્ષમાંથી 23 વર્ષમાં મેઘરાજા વહેલા પધાર્યા છે તેનો આપણને આનંદ છે, આશ્ચર્ય નહીં. આમ છતાં વરસાદ વહેલો શરૂ થાય એટલે ચોમાસું સફળ - સારું જ જશે એવી ખાતરી નથી હોતી. સમયસર સારો વરસાદ દેશભરના વિસ્તારોમાં સપ્રમાણ હોય તે પણ જરૂરી છે. વહેલા વરસાદ માટે મહાનગરો તૈયાર ન હોવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડÎો છે, પણ નવા-નવા પ્રોજેક્ટ નિર્માણાધીન હોય ત્યારે આવી સમસ્યાઓ રહેવાની જ.

કેરળમાં વહેલી શરૂઆત થઈ એટલે હવે સર્વત્ર ભરપૂર વરસાદ થશે જ એમ કહી શકાય નહીં. હવે આગામી ચાર મહિનામાં સંતોષકારક વરસાદ કૃષિ ઉત્પાદન અને આર્થિક વિકાસદર - વર્ષ 2025-26 માટે નિશ્ચિત થશે.

વર્ષ 2009માં પણ ચોમાસું વહેલું શરૂ થયું હતું. પણ પછી જોર ઘટતું ગયું અને સમગ્ર દેશમાં ખાધ રહી. આખરે 23 ટકા ખાધ સાથે ચોમાસું પૂરું થયું હતું. વર્ષ 2009માં દેશના લગભગ 60 ટકા જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો. 23મી મેના રોજ કેરળમાં આગમન થયા પછી આઠથી 20 જૂન સુધી ‘પોરો ખાધો’ અને તેની અસર અનાજ ઉત્પાદન ઉપર પડી હતી.

આ વર્ષે હવામાન ખાતાની આગાહી સરેરાશ કરતાં 105 ટકા વરસાદની છે અને આશા રાખીએ કે આ અનુમાન સાચું પડે.