• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

બિનહરીફ વિજયની બહુમતી

બિનહરીફ વિજય વિરલ બાબત છે, પણ મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં તે વ્યાપક બની ગઈ છે. સત્તાધારી મહાયુતિના 69 નગરસેવકો બિનવિરોધ ચૂંટાઈ આવ્યા છે, આ આંકડો અભૂતપૂર્વ છે. આના માટે વિરોધ પક્ષમાં બેઠેલી રાજકીય પાર્ટીઓ ભાજપને જવાબદાર ઠેરવે છે, જે કદાચ કેટલાક અંશે સાચું પણ હોઈ શકે, પણ ઇતિહાસ પર નજર કરતાં એક વાત ઊડીને આંખે વળગે છે અને તે એટલે હંમેશાં સત્તાધારી પક્ષના ઉમેદવારો જ બિનહરીફ ચૂંટાઈ આવે છે. મહારાષ્ટ્રમાં 2009થી 2013 વચ્ચે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા અને આમાંના ચાર રાષ્ટ્રવાદી કૉંગ્રેસના, ત્રણ કૉંગ્રેસના હતા અને એ વખતે રાજ્યમાં આ બે પક્ષોની આઘાડી સરકાર હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધુળેમાં એક પ્રચાર સભામાં આ મુદ્દાને સ્પર્શતાં કહ્યું હતું કે અત્યાર સુધી દેશમાં 35 સાંસદો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને એમાંથી 33 એવા વખતે ચૂંટાયા હતા જ્યારે દેશમાં કૉંગ્રેસની સરકાર હતી. ત્યારે લોકતંત્રની હત્યા નહોતી થતી. પણ, નગરસેવકો બિનહરીફ ચૂંટાઈ આવે છે ત્યારે લોકતંત્રના નામની દુહાઈઓ આપતા અને છાતી કૂટતા વિરોધી પક્ષો થાકતાં નથી. આ વખતે કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં બાવીસ ઉમેદવારોને મતદાન વિના જ વૉકઓવર મળ્યો છે જેમાંના પંદર ભાજપના અને સાત સાથી પક્ષ શિવસેનાના છે અને યોગાનુયોગ એ કે આ નગરપાલિકા ભાજપના રાજ્ય એકમના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની હોમ પીચ છે, જ્યાં અન્ય તમામ પક્ષોમાંથી મોટા પ્રમાણમાં નેતાઓ ભાજપમાં જોડાયા છે.

રાજ્યભરની વિવિધ નગરપાલિકાઓમાં એકલા ભાજપના જ 44 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, આ પહેલાં 2009થી 2013 વચ્ચે નાગપુર અને 2004થી 2009 વચ્ચે કેડીએમસીમાં ભાજપનો એક-એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયો હતો. બેમાંથી 44 સુધીનો આ હનુમાન કૂદકો જોઈ નાગરિકો વિચારતા થઈ ગયા છે. સૌથી દુઃખદ વાત એ છે કે અનેક જગ્યાએ એકાદ દાયકા બાદ ચૂંટણીઓ યોજાઈ રહી છે અને છતાં લાખો મતદારો મતદાનના અધિકારથી વંચિત રહી જશે. આમ તો કોઈ ઉમેદવારની સામે હરીફ ન હોય તો ચૂંટણીમાં તેને વિજેતા જાહેર કરાય છે, પણ એવી માગણી ઊઠી છે કે કોઈ જગ્યાએ એક જ ઉમેદવાર હોય તો પણ મતદાન કરવું જોઈએ, કેમ કે હવે ‘નન અૉફ ધ અબૉવએટલે કે ‘નોટાની વ્યવસ્થા છે. આથી, આવી જગ્યાએ ‘નોટાને વધુ મતો મળે તો નવેસરથી ચૂંટણી યોજી શકાય. જોકે, આ પરિસ્થિતિમાં સમસ્યા કરતાં ઉકેલ વધુ જાલીમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ