સમૃદ્ધ ગણાતા ફ્રાન્સની શેરીઓમાં ઉધમની સ્થિતિ છે. વિશ્વની અજાયબીઓમાં સ્થાન ધરાવતા એફિલ ટાવરને અગનજ્વાળાના ધુમાડા ગૂંગળાવી રહ્યા છે. ઉગ્ર બનેલા યુવાનો નગરોમાં ફરી રહ્યા છે અને કારણ છે રોજગારીની તકોનો અભાવ, ગરીબી તથા હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાની લાગણી. જીવનજરૂરી ચીજોના ભાવમાં થયેલો વધારો, શિક્ષણ સહિતના અધિકારોમાં અસમાનતા અને યુવાલક્ષી નીતિઓ સામે વિરોધ હોવાથી ફ્રાન્સ અશાંત છે. આંદોલન હવે હિંસક લડતમાં પરિણમ્યું છે. ઇમારતો, વાહનો કે વેપારી મથકોને થયેલું નુકસાન ફક્ત આર્થિક સ્તરે નહીં, સામાજિક-રાષ્ટ્રીય સ્તરે જોવાનું રહે. કોઈ મકાનનો કાચ તૂટે તો સંધાઈ શકે, પ્રજાના વિશ્વાસમાં પડેલી તિરાડ સાંધવી મુશ્કેલ છે.
વધતી જતી મોંઘવારી, બળતણ,
ખાદ્ય પદાર્થોની કિંમત અને બેરોજગારીથી ફ્રાન્સની પ્રજા ત્રસ્ત છે. રાષ્ટ્રપતિ એમેન્યુઅલ
મેક્રોંની સરકારની આર્થિક નીતિઓ અને સામાજિક સુધારણા નીતિઓ સામે શ્રમિક વર્ગ, વિદ્યાર્થીઓનો
રોષ સતત વધી રહ્યો છે. અસંતોષની અભિવ્યક્તિ માટે આંદોલન, દેખાવ તો પ્રજાતંત્રમાં થાય
પરંતુ સ્થિતિ અરાજકતા, લૂંટફાટ સુધી પહોંચે ત્યારે રાષ્ટ્રની સલામતી જોખમાય. અસંયમિત
હિંસાની ટીકા રાષ્ટ્રપતિ મેક્રોંએ કરી છે, સરકારે અત્યંત કડક પગલાં પણ લીધાં છે પરંતુ
સરકારે પ્રજાના પ્રશ્નો તરફ વધારે ધ્યાન આપવાની જરૂર હતી અને છે તેવું વિશ્વનાં માધ્યમોમાં
પ્રકાશિત-પ્રસારિત થતા અહેવાલો ઉપરથી કહી શકાય. 18મી સદીમાં ફ્રાન્સમાં જે ક્રાંતિ
થઈ હતી તે ઇતિહાસમાં આજે પણ અગત્યના વિષય-પ્રકરણ તરીકે ભણાવવામાં આવે છે. અત્યારે,
2026માં ફ્રાન્સમાં ચાલી રહેલું આ આંદોલન છેલ્લાં કેટલાંક વર્ષોનું મોટું આંદોલન લેખાઈ
રહ્યું છે.
ફ્રાન્સ વિશે ઉલ્લેખનીય
ઉક્તિમાં એક એ છે કે ક્રાંતિ ફ્રાન્સની રાષ્ટ્રીય રમત છે. ફ્રેન્ચ પ્રજા ઉત્તમ ભોજન,
વાઈન, ફૅશન અને સ્થાપત્ય કળા તથા સાહિત્યની રસિક ગણાય છે. જીવનને તેઓ માણે છે. માતૃભાષા
માટેનું તેમનું ગૌરવ ઘણીવાર ગર્વની કક્ષાએ વ્યક્ત થાય છે. જે ફ્રેન્ચ પ્રજાએ દુનિયાને
સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વનો મંત્ર આપ્યો, કળા-સંસ્કૃતિની જાળવણી માટે દુનિયા
જેની પ્રશંસા કરે છે તે પ્રજા આજે આર્થિક કટોકટી અને મોંઘવારીને લીધે આક્રમક બનીને
રસ્તા ઉપર ઉતરી આવી છે. ફ્રાન્સની આ ઘટનાઓ માત્ર એક દેશની આંતરિક સમસ્યા નથી. દુનિયાના
અન્ય દેશો માટે એક ચેતવણી છે. મોંઘવારી, આર્થિક અસમાનતા ઉપર સમયસર નિયંત્રણ ન આવે,
યુવાનોની સમસ્યાને લાંબો સમય ઉપેક્ષિત રાખવામાં આવે, તેની અવગણના જો થાય તો વિકસિત
કે વિકાસના પથ ઉપર ગતિ કરી રહેલા દેશ પણ સામાજિક અસ્થિરતાનો ભોગ બની શકે. લોકશાહીમાં
સંવાદ અને જનમાનસના પ્રશ્નોનો કાયમી ઉકેલ જ અશાંતિ નિવારી શકે, ફક્ત દમન કે આક્ષેપોથી
કશું ન થાય. દેશમાં શાંતિ, સલામતી સ્થપાવી જોઈએ તેવી ફ્રાન્સ સરકારની વાત સાચી હોય
તો પણ જે સ્થિતિ ત્યાં છે તે જોતાં તો સરકારે સમ્યક્ દૃષ્ટિથી જ વર્તવું જોઈએ, પ્રશ્ન
કરવો તે પ્રજાનો અધિકાર છે અને ઉકેલ લાવવો તે શાસનનું ઉત્તરદાયિત્વ.