• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

અમેરિકન રાહત હંગામી કે કાયમી?

રાવણને દસ માથાં હતાં પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને કેટલાં માથાં અને મોઢાં છે, એવો સવાલ ફરી એકવાર ઊભો થયો છે. રશિયાના તેલ ગ્રાહક દેશો પર કચકચાવીને ટેરિફ નાખ્યા પછી હવે ટ્રમ્પે વધુ એકવાર રાહત આપી છે, એટલું જ નહીં અમેરિકામાં ડીઝલના ભડકે બળતાં ભાવને અંકુશમાં લાવવા રશિયન મૂળની પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવાની વ્યવસ્થા પણ કરી લીધી છે. મૂળ તો અમેરિકામાં નવેમ્બર મહિનામાં મધ્યસત્ર ચૂંટણી છે અને મોંઘવારીએ માઝા મૂકવા સાથે ઈંધણના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે દાદાગીરીની ભાષા તડકે મૂકી ટ્રમ્પે રાષ્ટ્રહિતનું કારણ આગળ કરી ફેરવી તોળ્યું છે. ભારત માટે આ રાહતની બાબત ખરી, પણ ટોચના આયાતકારોની યાદી દર 180 દિવસે નવેસરથી ગણવામાં આવતી હોવાથી આની તુરંત કોઈ અસર થવાની નથી અને જે બે મહિનાની છૂટ અમેરિકાએ આપી છે એનાથી ટ્રમ્પને કદાચ ચૂંટણીમાં ફાયદો થાય, એ સિવાય ચિત્ર ખાસ બદલાશે નહીં. મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિક પાર્ટીને નુકસાન ઓછું થાય એ માટેનાં જ આ બધાં હવાતિયાં છે. યુએસ સેક્રેટરી અૉફ સ્ટેટ માર્કો રૂબિયો ત્રણ દિવસની ભારત મુલાકાત પર છે અને વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે મુંબઈમાં મુલાકાત બાદ તેમણે સકારાત્મક પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે ભારત-યુએસ ટ્રેડ ડીલ એકદમ નિકટમાં જ છે. અમે એટલા નજીક છીએ કે, કરાર પર અમલ કરવાનું જ બાકી છે. રૂબિયોની ભારત મુલાકાત અને અમેરિકાના યુ-ટર્નનું ટાઈમિંગ યોગાનુયોગ તો ન જ હોઈ શકે. 

રશિયાની આર્થિક નાકાબંધી કરવાના હિમાયતી ટ્રમ્પે ભારત પર રાષ્ટ્રપ્રમુખની રૂએ નાખેલા પ્રતિબંધને ત્યાંની અદાલતે અયોગ્ય ઠેરવતાં વહીવટી માર્ગે તેમણે લિન્ડ્સે ગ્રૅહામ કાયદો સંસદમાં પસાર કરાવ્યો અને કાયદેસર આયાત ટેરિફ લાગુ કરી. હવે, આ યુ-ટર્નને કારણે તેઓ વ્લાદિમિર પુતિન સામે ઝૂકી ગયા હોવાનું તેમના વિરોધીઓ અને પક્ષના લોકો પણ કહે છે. રશિયા માટે આ બહુ મોટી રાહત છે અને આનો વિરોધ યુક્રેને પણ કર્યો છે. ભારત માટે આ કામચલાઉ રાહત હોવાની સાથે વિશ્વના અર્થતંત્ર માટે સારી બાબત છે. ક્રૂડ અૉઈલના ભડકે બળતાં ભાવની ઝાળ બધા જ દેશોને વત્તાઓછા અંશે અનુભવાઈ રહી છે ત્યારે ટ્રમ્પના આ રાજકીય નિર્ણયથી ઘરઆંગણે કેવો લાભ થાય છે, એના પર સૌની મીટ હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરની મધ્યમાં અમેરિકાની મુલાકાતે જવાના છે અને એ પહેલાંની આ ગતિવિધિઓની સકારાત્મકતા ભારત માટે સારાં એંધાણ છે. જોકે, ભારતે ઊર્જા સુરક્ષા અને નિકાસ વધારવા વચ્ચે સંતુલન રાખી નમતું જોખ્યા વિના સતત પ્રયત્નશીલ રહેવાનો અભિગમ આગળ પણ જાળવી રાખવાનો રહેશે જ.