• સોમવાર, 02 નવેમ્બર, 2026

ઉત્તર પ્રદેશ, ચૂંટણી પરિણામ અને પ્રશ્નો

ભારતીય રાજનીતિની ધરી કે કેન્દ્ર કહી શકાય તેવું ઉત્તર પ્રદેશ રાજ્ય વર્ષોથી દેશની રાજકીય દિશાનો સ્પષ્ટ સંકેત આપતું રહ્યું છે. આ પ્રદેશ એક રાજ્ય માત્ર નથી, ત્યાં જે રાજકીય સમીકરણ રચાય છે તે સમગ્ર દેશમાં અસર કરી શકે તેવી પ્રબળ સંભાવના હોય છે. બે દિવસ પૂર્વે જ યુ.પી. વિધાન પરિષદની ચૂંટણીનાં પરિણામો આવ્યાં તેના સંકેત પણ ભાજપ માટે ચિંતાજનક નહીં તો ચિંતન કરવાપાત્ર તો ચોક્કસ છે. સૌથી મોટો પક્ષ હોવાની સ્થિતિ તો ભાજપે જાળવી રાખી છે. ત્યાં ભાજપની સત્તા છે, આદિત્યનાથ યોગી જેવા મુખ્ય પ્રધાન છે, પરંતુ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પાંચ બેઠક જીતીને ભાજપની રાજકીય ગણતરી થોડી આડી-અવળી કરી નાખી છે.

દિલ્હીમાં ચાલી રહેલા પ્રબળ આંદોલનો, સોશિયલ મીડિયા ભાજપ સામે રાષ્ટ્રવ્યાપી નારાજગીના સંકેત આપતા હોવાનું એક અનુમાન વ્યાપક રીતે થઈ રહ્યું છે. યુ.પી. વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપને 6 બેઠક મળી હોવા છતાં ચર્ચા તો લખનઊ અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યાંથી લોકસભામાં ચૂંટાયા છે તે વારાણસી બેઠકની છે. વિધાન પરિષદની સ્નાતક અને શિક્ષક બેઠક સમાજવાદી પાર્ટીએ જાળવી રાખી છે. ત્યાં સપાની સરસાઈ પણ નાની નથી. આ ફક્ત બે બેઠક નથી, ભાજપના અભેદ્ય ગણાતા કિલ્લામાં પડેલાં ગાબડાં તેને ગણી શકાય. અલબત્ત, ભાજપે તેની ક્ષમતા તો બતાવી જ છે. શિક્ષક મતદાર ક્ષેત્રોની છમાંથી ચાર બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે.

ગોરખપુર અને ફૈઝાબાદમાં ભાજપનો વિજય પાતળી બહુમતીથી થયો છે. મુખ્ય પ્રધાન આદિત્યનાથના મતક્ષેત્રમાં પણ ભાજપ હવે વધારે પડતા આત્મવિશ્વાસમાં રહી શકે તેમ નથી. આ ચૂંટણી પછી એક અગત્યનો મુદ્દો એ પણ ઊઠ્યો છે કે સમાજવાદી પાર્ટી તેના પરંપરાગત જાતિગત રાજકારણના આધારે પોતાની રાજનીતિ આગળ વધારવા માગતી નથી. શિક્ષકો, સ્નાતકો, યુવાનો અને શિક્ષિત બેરોજગારોના પ્રશ્ને પણ લડવા માગે છે.

સ્નાતક મતદાર ક્ષેત્રમાં પણ તેને મળેલી સફળતા ધ્યાન ખેંચે છે. ભાજપ માટે આ આત્મમંથનનો સમય છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને આંચકો લાગ્યો હતો, અયોધ્યામાં રામમંદિર નિર્માણકાર્ય પૂર્ણ થયા પછી પણ પરિણામ એવાં હતાં ત્યાર પછી ભાજપે ચિંતન શરૂ કર્યું હતું. 2019માં 62 બેઠકની સરસાઈ પછી 2024માં 33 બેઠક પર લોકસભામાં તે અટક્યો હતો. હવે વિધાન પરિષદનાં પરિણામ વિધાનસભાની ચૂંટણી પૂર્વેની ચેતવણી છે તેમ કહી શકાય.

ચૂંટણીમાં ઘણીવાર જીતાયેલી બેઠકની સંખ્યા કરતાં બેઠકની બદલાયેલી સંખ્યા વધારે મહત્ત્વની થઈ જાય છે. આ 2027ની ચૂંટણીનું પૂર્વાનુમાન નથી. સ્નાતક કે શિક્ષક મર્યાદિત મતદારો છે. વિધાનસભામાં જાતિ, ધર્મ, યોજનાઓ અને ઉમેદવાર સહિતની બાબતોનો વ્યાપ ઘણો મોટો હોય છે. ભાજપ માટે આ પરિણામ જાગી જવાની વેળા છે અને સમાજવાદી પાર્ટી માટે આશાનું કિરણ છે. સૌથી મોટો સંદેશ તો એ છે કે ઉત્તર પ્રદેશનું રાજકારણ સ્થિર નથી, લોકસભા 2024ની સ્થિતિ અપવાદરૂપ હતી કે પછી પરિવર્તનનો સંકેત તેનો જવાબ મેળવવા 2027 સુધી રાહ જોવી પડે.