બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિકાસકામોના લોકાર્પણ કરી ગયા, કિસાનોનાં ખાતાંમાં કરોડો રૂપિયા પણ તેમણે સરકાર વતી જમા કરાવ્યા તે બધું તો પૂર્વયોજિત હતું, અગત્યનું તો હતું તેમણે શનિવારે સાંજે જે કહ્યું તે, અરાજકતાનો સામનો એક્તાથી કરવો પડશે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે વિરોધ પક્ષને બરાબર ઝાટકી નાખતા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં બન્ને દિવસ વિપક્ષને આરપાર વીંધી નાખે તેવી વાત કરી. શનિવારે સાંજે એક્તાપરેડ બાદ તેમણે કહ્યું કે, 2026ના અંત સુધીમાં નક્સલવાદ દેશમાંથી નાબૂદ થઈ જશે, પરંતુ હવે આપણે દિમાગી નક્સલોથી સાવધ રહેવાનું છે, ચેતવાનું છે.
વડા પ્રધાનનો ઈશારો સીજેપી કે જંતર-મંતર ઉપર આંદોલન કરતા અન્ય લોકો સામે હતો. આ વિધાન કે તેમણે જે શૈલીમાં આ વાત કરી તેના કરતાં સમગ્ર પ્રવચનનું જે નિમિત્ત તેમણે લીધું તે સૌથી અગત્યનું છે. સ્વતંત્ર થયેલા ભારતને પ્રજાસત્તાક બનાવવામાં જેમનું વિશિષ્ટ અને અનન્ય યોગદાન રહ્યું તેવા પ્રથમ નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી સમયે તેમણે રાષ્ટ્રીય એક્તાની વાત કરી. ભારતને અખંડ બનાવવામાં વલ્લભભાઈનું કાર્ય અવિસ્મરણીય છે. વડા પ્રધાને કહ્યું કે, અત્યારે વૈશ્વિક અશાંતિ અને આંતરિક અરાજકતાનો સમય છે ત્યારે આપણને રાષ્ટ્રીય એક્તા જ બચાવી શકશે. આ એક વિધાનમાં ટુકડે ટુકડે ગૅંગ, સર્વોચ્ચ અદાલત સુધી ગયેલી કૉંગ્રેસની કૂચ, જંતર-મંતર પાસે થતાં નિવેદનો તે સૌનો જવાબ હતો.
ઈન્ડિયા મોરચો અને તે સિવાયનાં પક્ષો કે સંગઠનો, વિદ્યાર્થી અગ્રણીઓની પ્રવૃત્તિ દેશની એક્તા માટે જોખમી છે તેવું વડા પ્રધાન માને છે અને તે દેશને પણ તેઓએ કહ્યું. આ વર્ષના અંત સુધીમાં નક્સલી પ્રવૃત્તિઓનો અંત આવશે, પરંતુ જેઓ દિમાગી નક્સલ છે તેમનાથી હવે ચેતવાનું રહેશે તેમ કહીને બહુ મોટો મુદ્દો તેમણે મૂક્યો છે. તેમણે સીધી રીતે નથી કહ્યું, પરંતુ સંકેત તો એવો તારવી શકાય કે દેશમાં અત્યારે વિપક્ષ દ્વારા જે ચાલી રહ્યું છે તે નવી તરેહનો નક્સલવાદ કે ઉગ્રવાદ જ છે. કૉંગ્રેસના જ સમર્પિત નેતા સરદાર સાહેબના જન્મદિવસની ઉજવણીમાં તેમણે વર્તમાન કૉંગ્રેસ ઉપર જ અણિયાળા શબ્દબાણ ચલાવ્યાં તે પણ સૂચક છે. શુક્રવારે તેમણે બટેટાંમાંથી સોનું બનાવવાની રાહુલ ગાંધીની વાતનું પરોક્ષ સ્મરણ કરીને ગુજરાતની પીઠ થાબડી હતી.
વડા પ્રધાનના બન્ને દિવસોનાં પ્રવચનોમાં ભલે નવી કોઈ વાત હોય કે નહીં, પરંતુ એક્તા-અરાજકતાની વાત કરવા માટે તેમણે નિમિત્ત શોધ્યું તે અગત્યનું છે અને બીજી મહત્ત્વની વાત એ છે કે દેશમાં લાંબા સમયથી ચાલી રહેલાં આંદોલન, કૉંગ્રેસપ્રમુખ ખડગેએ કરેલાં નિવેદન, જંતર-મંતર અને રામલીલા મેદાન સહિતનાં તમામ પ્રકરણનો પ્રતિકાર અને પ્રતિભાવ તેઓ કોઈ હિચકિચાહટ વગર આપી રહ્યા છે.