• સોમવાર, 04 માર્ચ, 2024

બાગેશ્વર બાબા ગુજરાતમાં  

અમદાવાદમાં ભક્તોની ભારે ભીડ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 25 : અમદાવાદ સહિત ગુજરાતભરમાં અત્યારે બાગેશ્વર બાબા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્યારે આજે ગુરુવારે બાગેશ્વર બાબા ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતમાં આવી પહોંચ્યા છે. બપોરના સુમારે બાગેશ્વર બાબા ઍરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, ત્યાંથી સીધા જ યજમાન અમરાઈવાડીના પૂર્વ કૉર્પોરેટર અરાવિંદ ચૌહાણના ભાઈના ઘરે પહોંચ્યા ત્યાં ભોજન લીધું હતું.  

ત્યારબાદ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ગુજરાતમાં 3 જૂન સુધી જુદાં જુદાં શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. તેમની સુરક્ષા માટે 500થી વધુ ખાનગી બાઉન્સરો રાખવામાં આવ્યા છે. તો 1500થી વધુ સ્વયંસેવકો તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે. નોંધનીય છે કે થોડાક સમય પહેલા બાબા બાગેશ્વરને મારી નાખવાની ધમકી મળતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. 

વટવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અમદાવાદ સરસ શહેર છે, શહેરની ધરતી પર દરેક સનાતની છે, કાયરો જ સનાતન માટે નહીં જાગે, સનાતન માટે જાગવાનો સમય આવી ગયો છે. જો જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. વટવામાં પ્રવચન બાદ તેઓ સુરત જવા રવાના થયા હતા. આજે બપોરે બાબા અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે ભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ફૂલહાર પહેરાવી બાબા બાગેશ્વરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ભક્તોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા.