• શનિવાર, 27 એપ્રિલ, 2024

અફઘાનિસ્તાનને 132 રને હરાવી ત્રણ મૅચોની શ્રેણી શ્રીલંકાએ 1-1થી સમકક્ષ કરી

હંબનટોટા, તા.4 : પ્રથમ વન ડેમાં આંચકારૂપ પરાજય સહન કરનાર શ્રીલંકાએ બીજા મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ 132 રને શાનદાર જીત મેળવીને ત્રણ વન ડેની શ્રેણી 1-1ની બરાબરી પર લાવી દીધી છે. શ્રીલંકાના 6 વિકેટે 323 રનના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 42.1 ઓવરમાં 191 રને ઓલઆઉટ થઈ હતી. એક તબકકે અફઘાન ટીમના 2 વિકેટે 146 રન હતા અને મેચ સમતોલ સ્થિતિમાં હતો, પણ અફઘાનિસ્તાને તેની આખરી 8 વિકેટ ફક્ત 45 રનના ગાળામાં ગુમાવી દીધી હતી.

શ્રીલંકા તરફથી ટોપ ઓર્ડરના તમામ બેટર્સે શાનદાર બેટિંગ કર્યું હતું. પથૂમ નિશંકાએ 43, દિમૂથ કરૂણારત્નેએ 52, કુસલ મેન્ડિસે 78, સદીરા સમરાવિક્રમાએ 44 રનની ઇનિંગ રમી હતી. અંતમાં કપ્તાન દાસૂન શનાકાએ ઝડપી 23 અને હસારંગાએ 29 રન કરીને શ્રીલંકાને 323 રને પહોંચાડી દીધું હતું. અફઘાન તરફથી ફરીદ અહમદ અને મોહમ્મદ નબીએ 2-2 વિકેટ લીધી હતી.

324 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાનિસ્તાને આક્રમક શરૂઆત કરી હતી. ઇન ફોર્મ બેટધર ઇબ્રાહિમ ઝારદાને 54, હસમન શાહે 36 અને કેપ્ટન હશ્મતુલ્લાહ શઇદીએ 57 રનની ઝડપી ઇનિંગ રમી હતી. બાદમાં અફઘાન ટીમનો ધબડકો થયો હતો અને 191 રનમાં ડૂલ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી હસારંગા અને ડિસિલ્વાએ 3-3 વિકેટ ઝડપી હતી.