• શનિવાર, 20 એપ્રિલ, 2024

જળાશયોમાં પાણી ઓછું થતાં મુંબઈગરા પર પાણીકાપનું સંકટ  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 25 : મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો પુરવઠો છેલ્લાં બે વર્ષની તુલનામાં ઓછો બાકી રહેતા મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મુંબઈને પાણી પુરપઠો પૂરો પાડતાં સાત જળાશયોમાં આશરે 15.57 ટકા જેટલું જ પાણી બચ્યું છે. તેથી રિઝર્વ ક્વૉટામાં કટોકટીના સમયે ઉપયોગમાં લેવા માટે રાખેલું પાણી મુંબઈગરાને પૂરું પાડવાની પરવાનગી આપવામાં આવે તેવી વિનંતી મુંબઈ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને કરી હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રશાસન દ્વારા આઠ ટકા જેટલું પાણી ઈમર્જન્સી યુઝ માટે રિઝર્વ ક્વૉટામાં રાખવામાં આવે છે.

આગામી મહિનામાં ચોમાસાનું આગમન અને જળાશયોમાં પાણીના સ્તરને ધ્યાનમાં લઈને પાણીકાપનો નિર્ણય લેવામાં આવશે. હવામાન ખાતાએ આ વર્ષે મુંબઈમાં ચોમાસું મોડું બેસવાનો અંદાજ લગાવ્યો હોવાથી મુંબઈગરાને પાણીકાપનો સામનો કરવો પડશે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુંબઈના એડિશનલ કમિશનરે આ સંદર્ભે જણાવ્યું હતું કે મુંબઈમાં તાત્કાલિક પાણીકાપ અમલમાં આવશે નહીં. જૂન મહિનામાં પાણીપુરવઠાની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. જળાશયોના રિઝર્વ ક્વૉટામાં રાખવામાં આવેલાં પાણીને ઉપયોગમાં લેવામાં આવે તેવી વિનંતી સરકારને કરવામાં આવી છે.  

અપ્પર વૈતરણા, મોડકસાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાત જળાશયોમાંથી મુંબઈગરાને દરરોજ આશરે 3800 મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. ગયા વર્ષે સારો વરસાદ થયો હોવાથી સાતેય જળાશયોમાં પૂરતું પાણી જમા થયું હતું. આ વર્ષે ઉનાળો શરૂ થતાંની સાથે હવામાનમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે ચોમાસું મોડું બેસશે એવી આગાહી હવામાન ખાતાએ આપી હતી, જેને કારણે મુંબઈગરાની ચિંતામાં વધારો થયો છે.