• શનિવાર, 19 એપ્રિલ, 2025

મોરિશિયસમાં મોદી

સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને દૃઢ બનાવવાની દિશામાં પગલું આગળ વધારતાં વડા પ્રધાન મોદીએ લગભગ એક દાયકા બાદ ટાપુરાષ્ટ્ર મોરિશિયસની મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આઠ મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. આ મુલાકાત તથા થયેલા કરાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા આપશે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીને મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ પર બીજી વેળા મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે જે ભારતના મોરિશિયસ સાથેના ઊંડા સંબંધોને દર્શાવે છે. આશરે 13 લાખની વસ્તીવાળા  મોરિશિયસની 70 ટકા લોકો ભારતીય મૂળના છે. વડા પ્રધાન મોદીની 2015ની મોરિશિયસની મુલાકાતે પશ્ચિમી હિન્દી મહાસાગરીય દ્વીપોના વધતા ભૂ-રાજનીતિક મહત્ત્વ પર પ્રકાશ પાડવાની સાથે હિન્દ મહાસાગરમાંનાં રાષ્ટ્રોને સાથે લઈને ચાલવાની પ્રતિબદ્ધતા દૃઢ કરી હતી.

જોકે, છેલ્લા એક દશકામાં આ ક્ષેત્રની ભૂ-રાજનીતિમાં આવેલા અનેક ફેરફાર હવે યુરોપ, રશિયા, ચીન, અખાતી દેશ અને તુર્કી સહિત અન્ય દેશો પણ આ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસમાં છે. આવામાં બદલાતા સમયના પડકારોને પહોંચી વળવા માટે જ ભારતે વૈશ્વિક દક્ષિણના દેશો માટે પોતાની નવી પહેલ `મહાસાગર' અર્થાત્ સમગ્ર ક્ષેત્રની સુરક્ષા અને વિકાસ માટે પારસ્પરિક અને સમગ્ર ઉન્નતિની ઘોષણા કરી છે. મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવનાર પહેલા ભારતીય બન્યા છે, બન્ને દેશો વચ્ચે બૅન્કિંગ, વ્યાપાર અને સુરક્ષા સહિત વિભિન્ન ક્ષેત્રોના સહયોગને વધારવા માટે સમજૂતી થઈ છે, જેના અંતર્ગત દ્વિપક્ષીય વ્યાપારમાં સ્થાનિક મુદ્રાના ઉપયોગ પર સહમતી સધાઈ છે. જેને લઈ ડૉલર પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. 

આ ઉપરાંત, દ્વિપક્ષીય ભાગીદારીને એનહેન્સ્ડ પાર્ટનરશિપનો દરજ્જો આપવામાં આવ્યો અને મોરિશિયસમાં નવું સંસદ ભવન બનાવવામાં ભારત દ્વારા થનારી મદદ સંબંધી નિર્ણય બન્ને દેશો વચ્ચે નિરંતર ગાઢ થતા સંબંધોનો જ સંકેત આપે છે. મોરિશિયસ માત્ર દ્વીપ રાષ્ટ્ર નથી, પણ હિન્દ મહાસાગરમાં ભારતની સુરક્ષા અને પ્રભાવ માટે એક અનિવાર્ય ભાગીદાર પણ છે. આવામાં વડા પ્રધાન મોદીની મોરિશિયસ મુલાકાતને ફક્ત કૂટનૈતિક ઔપચારિકતાની દૃષ્ટિથી જ નહીં, પણ વાસ્તવિક વિકાસ અને સહયોગની દિશામાં સુદૃઢ પગલાં તરીકે જોઈ શકાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ