સપ્ટેમ્બર 2026માં આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતનું નેતૃત્વ અને પ્રભુત્વ પુન: ઉજ્જ્વળ રીતે દેખાયું છે અને તેનું નિમિત્ત બન્યું છે દિલ્હીના ભારત મંડપમમાં મળેલું બ્રિક્સ શિખર સંમેલન. ભારત, રશિયા અને ચીન એ ત્રણ રાષ્ટ્રના મુખિયા હાથમાં હાથ પરોવીને એકસાથે ઊભા હોય અને સાથે અન્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓ હોય તે દૃશ્ય જ અમેરિકા જેવી મહાસત્તાને અને પાકિસ્તાન જેવા મગતરાંને કંઈક સંદેશ આપવા માટે પર્યાપ્ત છે, પરંતુ બે દિવસ પૂર્વે અહીં જ લખ્યું હતું તેમ આ ફક્ત `ફોટોસેશન' કે `િડપ્લોમસી'નો અવસર નહોતો.
હવે આ મંચ બ્રાઝિલ, ભારત, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા એમ પાંચ દેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ 21 દેશોનો વિશાળ પરિવાર છે. વિશ્વની 49.5 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરતું બ્રિક્સ વૈશ્વિક જીડીપીમાં 40 ટકા અને વેપારમાં 26 ટકા હિસ્સો ધરાવે છે. આખું સંમેલન અગત્યનું રહ્યું પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું કે મતભેદ વિવાદ ન બને તે ફક્ત ચીનને જ નહીં સમગ્ર વિશ્વને એટલે કે શેરીથી લઈને વૈશ્વિક ક્ષિતિજો સુધી અપાયેલો સંદેશ છે. તેમણે કહ્યું કે મિનરલ્સનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું યોગ્ય નથી. દુનિયામાં વધી રહેલા તણાવની અસર જનસામાન્ય ઉપર પડી રહી છે તેની ચિંતા આપણા વડા પ્રધાનની વિશ્વ માટેની નિસબતની સાબિતી છે. જળવાયુ આફતો, મોટી બીમારી વખતે પુરવઠા સાંકળ ખોરવાય છે તે દર્શાવે છે કે વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે. `િબ્રક્સ'માં વિશ્વના વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત થઈ તો ટેરિફ ટેરરની પણ ચર્ચા કરી. ઊર્જા સલામતીને મહત્ત્વ મળ્યું છે તે શુભ સંકેત છે.
પહેલગામમાં ભારતીય નાગરિકો ઉપર થયેલા આતંકી હુમલાની નિંદા પાકિસ્તાનનાં કાળાં કામ અને ભારતની આતંકવાદ વિરુદ્ધની લડાઈ ઉપર મહાસત્તાઓએ લગાવેલી મહોર છે. બ્રિક્સ સંયુક્ત ઘોષણાપત્ર ભારતની કૂટનીતિક સફળતા છે. ભારત અને ચીન હરીફ નહીં, પરંતુ ભાગીદાર છે તેવું સૂત્ર બન્ને દેશના વડાએ આપ્યું. ચીન તેની વાત ઉપર ટકી રહે તેવી આશા દેશ રાખી રહ્યો છે. ભારતની વિદેશનીતિની આ સફળતા છે તો બીજી તરફ એક કસોટી પણ છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે ભારતના સંબંધો મજબૂત છે. રશિયા અને ઈરાન જેવા દેશ બ્રિક્સના સદ્સ્યો છે અને પશ્ચિમ વિરોધી તેઓનો એજન્ડા જગજાણીતો છે.
જોકે, આ નવી દિલ્હી ઘોષણાપત્ર પશ્ચિમ વિરોધી વલણ વગર પસાર કરવાની મુત્સદ્દીગીરી ભારતે દર્શાવી છે. બીજી વાત એ છે કે આફ્રિકન દેશોની ઉપસ્થિતિને પણ મહત્ત્વ આપીને ભારતે ચીનને તેની મર્યાદાની પરોક્ષ પ્રતીતિ કરાવી દીધી છે. નવી દિલ્હી બ્રિક્સ સંમેલને એ પુરવાર કર્યું કે વૈશ્વિક રાજનીતિમાં હવે ભારત પણ એજન્ડા સેટ કરનાર દેશ બની ગયો છે. પશ્ચિમી જગત સાથે મિત્રતા જાળવીને પણ રશિયા અને ચીન જેવા વૈશ્વિક પ્રતિસ્પર્ધીઓ સાથે એક જ ટેબલ પર બેસીને દેશહિતના નિર્ણયો લેવડાવવા, તે ભારતની પરિપક્વ કૂટનીતિની પરાકાષ્ઠા છે.
આગામી સમયમાં, બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થામાં ભારત એક એવા મહત્ત્વપૂર્ણ સેતુ તરીકે ઉભરી રહ્યું છે, જેના વિના વૈશ્વિક શાંતિ, સ્થિરતા કે આર્થિક વિકાસ અશક્ય છે.