• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ત્રી : શાંતિની વૈશ્વિક શક્તિ

શાંતિ માટેનું વૈશ્વિક પારિતોષિક દક્ષિણ આફ્રિકાના કોઈ વ્યક્તિત્વને મળે તેમાં કદાચ આશ્ચર્ય ન હોય અને એ વ્યક્તિત્વનું મૂળ વળી ભારત હોય તો તો આ પુરસ્કાર પાક્કો સમજીએ, કારણ કે જગત આખાને શાંતિનો સંદેશ આપનાર, માનવતાનો મહિમા સમજાવતા વિભૂતિઓ પૈકી એક એવા ગાંધીજીએ આ જ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ નામની વિભાવનાનો આવિષ્કાર કર્યો હતો. શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે અને આ વર્ષે તે આફ્રિકામાં વસતા પ્રખ્યાત ન્યાય શાત્રી, સંયુક્ત રાષ્ટ્રના માનવઅધિકારનાં પૂર્વ હાઈ કમિશનર નવાનેથમ `નવી' પિલ્લાઈને આપવામાં આવ્યો છે. તેઓ મૂળ તમિલ છે. 1890માં તેમનાં દાદા-દાદી તામિલનાડુથી દક્ષિણ આફ્રિકા ગયાં હતાં. 

આ વર્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ માટેનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવી શક્યા નથી તે તો બરાબર છે, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં નવી પિલ્લાઈ આ પુરસ્કાર મેળવનાર ત્રીજી મહિલા છે. વૈશ્વિક શાંતિ અને ન્યાયની લડતમાં મહિલાઓનાં યોગદાન અને સાતત્યપૂર્ણ પ્રયાસોને નોબેલ સમિતિ પ્રાથમિકતા આપી રહી છે તેનો આ પુરાવો છે. વર્ષ 2023માં ઈરાનના નારગેસ મોહમ્મદીને મહિલા અત્યાચાર સામેની લડત માટે નોબેલ પુરસ્કાર અપાયો હતો. પરમાણુ શત્રમુક્ત વિશ્વ માટે કામ કરવા બદલ 2024માં  નિહોન હિડાંક્યો નામના જાપાની સંગઠનને નોબેલથી સન્માનિત કરાયું હતું અને 2025માં વેનેઝુએલાનાં મારિયા મચાડો નોબેલ પુરસ્કાર પામ્યા હતાં. વિશ્વ શાંતિની લડાઈમાં ત્રીશક્તિ બરાબર કામે લાગી છે એ અહીં સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે જેમને નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયા છે તે નવાનેથમ પિલ્લાઈ જીવનપર્યંત માનવઅધિકારના રક્ષણ, રંગભેદનું દૂષણ તથા પીડિતોના અધિકાર માટે લડતા આવ્યાં છે. 

અહીં સૌથી વધારે ઉલ્લેખનીય બાબત એ છે કે, શાંતિ એટલે યુદ્ધવિરામ, શત્રવિરામ નહીં, શાંતિ એટલે લડાઈ કરી રહેલા બે કે વધારે દેશો વચ્ચે મંત્રણા કરાવવી. એટલું જ નહીં, પરંતુ વિશ્વમાં માનવઅધિકારની સમાન ધોરણે સ્થાપના, લોકશાહી મૂલ્યોનું માહાત્મ્ય. આ ત્રણ મહિલાઓ અને એક સંગઠને ભિન્ન ભિન્ન દેશોમાં અલગ અલગ સમયે આ કામ કર્યું છે. નવી પિલ્લાઈ રંગભેદ વિરોધી આફ્રિકન આંદોલનથી શરૂ કરી આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ સુધી સક્રિય રહ્યાં છે. ન્યાય પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને શ્રદ્ધા તેમણે દાખવ્યાં છે. પ્રતાડીત વર્ગો, શરણાર્થીઓ અને મહિલાઓના અધિકારો માટે તેમણે બતાવેલી જાગૃતિનું આ પરિણામ છે. 

ઈરાનના નારગેશ હોય કે વેનેઝુએલાનાં મારિયા કે પછી આ પિલ્લાઈ આ તમામે સરમુખત્યારશાહી, અત્યાચાર અને અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવ્યો છે અને દમનનો સામનો લોખંડી મનોબળથી કરીને સત્તાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વાત શાંતિ પુરસ્કારની છે ત્યારે કવિ ઉમાશંકર જોષીનું સ્મરણ થાય, વિશ્વ શાંતિમાં તેમણે લખ્યું છે:

વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભં કરી જીવશે જે ટકી રહેશે પ્રેમને પાવકે જળી