જીએસટી કાઉન્સિલની સતત બીજી બેઠકમાં એવા નિર્ણયો લેવાયા છે, જેને વેપારીઓએ આવકાર્યા છે. દેશના આડકતરા કર માળખામાં સૌથી મોટો સુધારો એટલે જીએસટી છે, પણ વિરોધી પક્ષોએ તેના વિશે પણ દુપ્રચાર કરવામાં કોઈ કસર રાખી નથી. ગયા વર્ષે જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં જીએસટી ટૅક્સ સ્લૅબમાંની વિસંગતિઓ દૂર કરી પાંચ અને અઢાર ટકા એમ સ્લૅબનું માળખું રજૂ કરાયું હતું. આ વખતની બેઠકમાં લેવાયેલા નિર્ણયો નાણાપ્રધાન નિર્મલા સીતારામનના શબ્દોમાં કહીએ તો નેક્સ્ટ-જેન જીએસટી છે, જે વેપારીઓ તથા કરદાતાઓ બન્નેને મદદરૂપ થશે. વેપારીઓએ રજૂ કરેલી સમસ્યાઓ અને તેમને સહેવી પડતી મુશ્કેલીઓનો પડઘો નવા સુધારાઓમાં ઝીલાયો છે. આનાથી એ તો વધુ એકવાર સ્પષ્ટ થયું કે સરકારને માત્ર કર ઉઘરાવવામાં નહીં આ પ્રક્રિયામાં સંકળાયેલા ભાગધારકોની સહુલિયતમાં પણ રસ છે. નોંધણીમાં સમસ્યા તથા રિફન્ડ મેળવવા માટેની માથાકૂટ તથા ફરિયાદોની ઉકેલમાં થતી સતામણી જેવા મુદ્દાઓ વેપારીઓએ રજૂ કર્યા હતા, જેમાં સુધારા કરાયા છે.
જીએસટીની
રજિસ્ટ્રેશન પ્રક્રિયા આ પહેલાં જરા જટિલ અને અટપટી હતી, જેમાં ફેરફાર કરી તેને સરળ બનાવાઈ છે. ટૅક્સ રિફન્ડ પણ ઝડપી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આના માટેનો એક્નોલેઝમેન્ટનો ગાળો પંદર દિવસથી ઘટાડીને દસ દિવસ કરાયો છે અને સ્વીકૃતિ મળ્યાના ત્રણ દિવસની અંદર જ નેવું ટકા જેટલા રિફન્ડને મંજૂરી આપી દેવાશે. રિફન્ડમાં થતો વિલંબ અનેક નાના વેપારીઓ માટે સમસ્યાનું કારણ હતું. વળી, ઈનપુટ ટૅક્સ ક્રેડિટ ક્લેમ કરવાનું વર્તુળ વધુ વ્યાપક કરાયું છે અને કર્મચારીઓ માટેના સ્વાસ્થ્ય તથા જીવન વીમાનો સમાવેશ કરાયો છે. માલની હેરફેર સારી રીતે થાય એ માટે પણ ફેરફાર કરાયા છે, જેમાં માલની તપાસણી કે જપ્તી કાં તો મોકલનાર રાજ્ય અથવા જ્યાં જે માલ જઈ રહ્યો છે એ રાજ્યના અધિકારી જ કરી શકશે. સૌથી મોટી રાહત જીએસટી અધિકારીઓ પાસે ધરપકડની સત્તા હતી, તે પાછી ખેંચી લેવાથી થવાની છે. વેપારીઓ સામે ખટલો ચલાવવા માટેની મર્યાદા એક કરોડથી વધારીને પાંચ કરોડ રૂપિયા કરાઈ છે તથા સામાન્ય પૅનલ્ટી પચીસ હજારથી ઘટાડીને રૂપિયા દસ હજાર કરી દેવાઈ છે. દસ હજારથી ઓછી રકમના મામલામાં નોટિસ નહીં મોકલવામાં આવે અને અત્યારે જે પણ છે તે પાછી ખેંચી લેવાશે. લઘુ ઉદ્યોગોને પણ મોટી રાહત મળી છે, અત્યાર સુધી દેશનાં વિવિધ રાજ્યોમાં કામગીરી ધરાવતા વેપારીઓ માટે સંબંધિત દરેક રાજ્યમાં કાર્યાલય હોય એવી પૂર્વશરત હતી, જે હવે દૂર કરાઈ છે.
જીએસટીનો
આશય જ એક દેશ, એક બજારનો હતો, પણ કેટલીક મર્યાદાઓને કારણે તેમાં અડચણો આવતી હતી. કાઉન્સિલે આથી આવશ્યક સુધારા કર્યા છે અને તેનું વેપારીઓએ પણ સ્વાગત કર્યું છે. ગયા વર્ષે જીએસટી ટૅક્સ સ્લૅબના સરણીકરણ બાદ પગારદાર વર્ગે તહેવારોના દિવસોમાં ધૂમ ખરીદી કરી હતી અને ઉદ્યોગ-ધંધાઓએ પણ જીએસટી કપાતનો લાભ નાગરિકોને પાસ-અૉન કર્યો હતો, જેના પગલે અર્થતંત્રને પણ વેગ મળ્યો હતો. આ વખતે પણ સુધારાઓનો પ્રવાહ જારી રહ્યો છે અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વેપારીઓને મળેલો આ સધિયારો સકારાત્મકતા લાવશે એમાં શંકા નથી.