• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

સીબીએફસી બોર્ડમાં પ્રીતિ ઝિન્ટા, પંકજ ત્રિપાઠી સહિત 18 સભ્યો

માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ અૉફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ની પુન:રચના કરવાની જાહેરાત કરી છે. આ 18 સભ્યોના બોર્ડમાં ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગના જાણીતા નામોનો સમાવેશ થાય છે. નવી પેનલમાં પ્રીતિ ઝિન્ટા, સુનીલ શેટ્ટી, રૂપાલી ગાંગુલી, પલ્લવી જોશી, પંકજ ત્રિપાઠી અને પ્રસેનજીત ચેટરજી સહિત અન્યનો સમાવેશ થાય છે.

સિનેમેટોગ્રાફ એક્ટ દ્વારા આપવામાં આવેલી સત્તાઓ હેઠળ ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી બોર્ડની પુન:રચના કરવામાં આવી છે. આ પગલું નોંધપાત્ર લાંબા અંતર પછી લેવામાં આવ્યું છે, કારણ કે આ અગાઉ અૉગસ્ટ 2017માં સીબીએફસીના બોર્ડની ઔપચારિક રીતે પુન:રચના કરવામાં આવી હતી. બોર્ડે આ મહિનાની શરૂઆતમાં છ વર્ષમાં તેની પ્રથમ બેઠક પણ યોજી હતી, જેમાં સભ્યોએ ફિલ્મ સર્ટિફિકેશન અને રિવાઇઝિંગ કમિટીઓની કામગીરી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

નવનિર્મિત સીબીએફસીના અન્ય સભ્યોમાં વિનોદ અનુપમ, મનોજ જોશી, અભિષેક જૈન, રિકી કેજ, પ્રિયદર્શન, હંસરાજ હંસ, સુપ્રિયા યારલાગડ્ડા, યતીન્દ્ર મિશ્રા, નીલા માધવ પાંડા, નિશિગંધા વાડ, વામન કેન્દ્રે અને રમેશ પતંગેનો સમાવેશ થાય છે. આ પુન:રચિત બોર્ડ અધ્યક્ષ શશિ શેખર વેમ્પતીના નેતૃત્વમાં કામ કરશે, જેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળની આ ફિલ્મ-પ્રમાણપત્ર સંસ્થાના વડા છે. સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ ભારતમાં જાહેર પ્રદર્શન માટે ફિલ્મોને પ્રમાણિત કરવાની જવાબદારી સીબીએફસીની છે.

દરમિયાન, સીબીએફસીએ મિર્ઝાપુર - ધ મૂવીના ગીત શૂરવીરનું પણ સમાધાન કર્યું હતું. એક અલગ પોસ્ટમાં, બોર્ડે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મિર્ઝાપુર - `ધ મૂવી ફિલ્મના ગીત શૂરવીર' વિશે ઘણી ફરિયાદો/ચિંતાઓ પ્રાપ્ત થઈ હતી. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે ત્યારબાદ સીબીએફસીને જાણ કરી છે કે તેઓ ઔપચારિકતાઓ પૂરી ન થાય ત્યાં સુધી સંબંધિત દૃશ્યોમાંથી શૂરવીર ગીતને સ્વેચ્છાએ બદલી નાખશે.