બટલરે શાનદાર 80 રન ફટકાર્યા : ઇંગ્લૅન્ડ સામે મહેમાન ટીમની 119 રને કારમી હાર
સાઉથેમ્પટન, તા. 16
: શ્રીલંકાની ટીમ વ્હાઇટ બોલ શ્રેણી માટે ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે. જો કે પહેલા મેચમાં
જ શ્રીલંકાને એવી હાર મળી છે જેનાથી બહાર આવતા
સમય લાગી શકે છે. શ્રીલંકાને ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીયની શ્રેણીના પહેલા મેચમાં
119 રને હારનો સામનો કરવો પડયો છે. ઇંગ્લેન્ડ માટે કેપ્ટન હેરી બ્રુકે શાનદાર સદી કરી
હતી અને જોસ બટલરે પણ કમાલની બેટિંગ સાઉથેમ્પટનમાં રમાયેલા મુકાબલામાં બતાવી હતી.
મુકાબલામાં શ્રીલંકાના
કેપ્ટન ચરિત અસલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઇંગ્લેન્ડની ટીમ બેટિંગ માટે
ઉતરી ત્યારે પહેલો ઝટકો 31ના કુલ સ્કોરે લાગયો હતો જ્યારે અન્યુરિન ડોનાલ્ડ 12 રને
આઉટ થયો હતો. જો કે બીજી વિકેટ માટે 120 રનોથી
વધુની રાહ શ્રીલંકાએ જોવી પડી હતી. આ સમયે ખૂબ વિલંબ થઈ ચૂક્યો હતો અને 12 ઓવરમાં
159 રન બની ચૂક્યા હતા. જોસ બટલરે 44 બોલમાં 80 રન કર્યા હતા જ્યારે બ્રુકે 42 બોલમાં
પોતાની સદી પૂરી કરી હતી. આવી રીતે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 254 રન
કર્યા હતા.
મોટા લક્ષ્યનો પીછો કરતી
શ્રીલંકાની ટીમ ઉપર દબાણ સ્પષ્ટ જોવા મળ્યું હતું અને જોતજોતામાં 135 રને પૂરી ટીમ
સમેટાઈ હતી. એકમાત્ર દુનિત વેલાલગેએ સૌથી વધારે 33 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ માટે સન્ની
બેકરે 3 વિકેટ લીધી હતી જ્યારે લિયામ ડોસન અને જેમી ઓવરટનને 2-2 વિકેટ મળી હતી.